Loading Please Wait !!!
મોરબી હાઈવે પર ગેંગવોર: ધડાધડ ફાયરિંગ, 3 ઘાયલ

  • જૂની અદાવતમાં 3 કારમાં આવેલા 5 શખ્સોનો ખૂની હુમલો
  • સાજીદ જેડા સહિત 5 આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો
  • થારથી ટક્કર મારતા ઉશ્કેરાઈને વધુ 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું

 


સિટી ન્યૂઝ@મોરબી : મોરબી-માળિયા હાઈવે પર રવિવારે રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. શહેરના વીસીપરા વિસ્તારના રહીશ અને તેના મિત્રો પર જૂની માથાકૂટનો ખાર રાખી 5 શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં 3 યુવાનોને છરા વાગતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આ મામલે સાજીદ જેડા સહિત 5 શખ્સો સામે હત્યાની કોશિશની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ફરિયાદી શાહરૂખ પઠાણે પોલીસને જણાવ્યું હતું કે, આરોપી સાજીદ જેડા સાથે તેને 15 થી 20 દિવસ પહેલા માથાકૂટ થઈ હતી. આ બાબતનું મનદુખ રાખી સાજીદે ફોન પર ગાળો આપી અને ભડાકે દઈ દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને માળિયા હાઈવે પર આવેલી બાલાજી હોટલ પાસે મળવા બોલાવ્યા હતા. 

શાહરૂખ તેના મિત્રો અને ભાઈ સાથે ઘટનાસ્થળે પહોંચતા જ આરોપીઓ સ્કોર્પિયો, કિયા અને સ્વિફ્ટ કારમાં ત્યાં ધસી આવ્યા હતા. કંઈ પણ સમજાય તે પહેલા સાજીદે બંદૂક કાઢી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં અલી નામના યુવાનને માથામાં છરા વાગતા તે ઢળી પડ્યો હતો.

થાર કારથી સ્કોર્પિયોને ટક્કર મારતા મામલો બિચક્યો
હુમલો કર્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ફરિયાદીના મિત્ર વીર રાઠોડે પોતાની થાર કાર આરોપીઓની સ્કોર્પિયો પાછળ દોડાવી તેને પાછળથી ટક્કર મારી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા આરોપીઓ ફરી પાછા આવ્યા હતા અને નૂરમામદ જેડાએ વધુ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં શાહરૂખને ગળા અને પેટના ભાગે તથા તેના ભાઈ સલીમને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. પોલીસે સાજીદ જેડા, નૂરમામદ જેડા, સમીર જેડા, બચલો જેડા અને 1 અજાણ્યા શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.