હવાઈ મુસાફરીમાં ક્રાંતિ: હવે નાના શહેરોથી વિદેશ જનારાઓને મોટા એરપોર્ટ પર નહીં નડવું પડે
- ૧ જૂનથી 'હબ એન્ડ સ્પોક મોડલ'ની ટ્રાયલ શરૂ; બીજીવાર ચેક-ઈન અને ઇમિગ્રેશનની કડાકૂટમાંથી મુક્તિ
- નાના શહેરોના એરપોર્ટ બનશે ‘સ્પોક’ અને મેટ્રો એરપોર્ટ ‘હબ’: મુસાફરો માટે ગ્રીન ચેનલ જેવી સુવિધા
- કનેક્ટિંગ ફ્લાઈટના મુસાફરો માટે ખાસ વ્યવસ્થા; ઘરેલું ફ્લાઈટમાંથી ઉતરીને સીધું વિદેશ જઈ શકાશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતના હવાઈ મુસાફરો માટે ખાસ કરીને નાના શહેરોથી આંતરરાષ્ટ્રીય સફર કરનારા લોકો માટે એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર આગામી ૧ જૂનથી દેશમાં કનેક્ટિંગ ફ્લાઈટ્સ માટે 'હબ એન્ડ સ્પોક મોડલ'ની ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે રાજકોટ જેવા નાના શહેરોથી દિલ્હી થઈને વિદેશ જતા મુસાફરોએ મોટા એરપોર્ટ પર બીજીવાર ચેક-ઈન, ઇમિગ્રેશન કે કસ્ટમ તપાસની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો લક્ષ્ય છે કે આગામી દોઢ વર્ષમાં આ સુવિધા સમગ્ર દેશમાં સરળતાથી ઉપલબ્ધ કરાવાય.
આ નવી પ્રક્રિયામાં નાના શહેરોના એરપોર્ટ 'સ્પોક' તરીકે કામ કરશે અને દિલ્હી જેવા મોટા એરપોર્ટ 'હબ' બનશે. મુસાફરોની બધી જ કાયદેસરની તપાસ તેમના પ્રારંભિક (નાના) એરપોર્ટ પર જ પૂરી કરી દેવામાં આવશે. મુસાફરોને ઘરેલું યાત્રા માટે 'ડી' (Domestic) અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટેની શ્રેણીના બોર્ડિંગ પાસ શરૂઆતમાં જ આપી દેવાશે. મોટા એરપોર્ટ પર પહોંચ્યા બાદ, મુસાફરો માટે ખાસ 'આંતરરાષ્ટ્રીય ઝોન' બનાવવામાં આવશે, જ્યાં તેઓ સીધા ઘરેલું વિમાનમાંથી ઉતરીને પ્રવેશ કરી શકશે.
આ સુવિધાનો લાભ લેવા માટે ડિજિયાત્રા (DigiYatra) એપ પર રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવશે. મુસાફરોએ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા આ એપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને બોર્ડિંગ પાસ અપલોડ કરવાના રહેશે. આનાથી એરપોર્ટ પર ઓળખ અને સુરક્ષા તપાસની પ્રક્રિયા પેપરલેસ અને અત્યંત ઝડપી બની જશે. ડિજિટલ ઓળખના કારણે મોટા એરપોર્ટ પર થતી સમયની બરબાદી અટકશે.
શું છે હબ એન્ડ સ્પોક મોડેલ? એરપોર્ટ ક્ષેત્રમાં આ એક એવી વ્યવસ્થા છે જેમાં એક મોટું એરપોર્ટ (હબ) મુખ્ય કેન્દ્ર બને છે અને તેની આસપાસ અનેક નાના શહેરોના એરપોર્ટ (સ્પોક) જોડાયેલા રહે છે. નાના શહેરોની ઉડાનો પહેલા હબ પર પહોંચે છે અને ત્યાંથી મુસાફરોને વિદેશ કે દેશના અન્ય મોટા શહેરોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ મોડલથી એરલાઈન્સની કાર્યક્ષમતા વધશે અને મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટ્સમાં પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવશે. મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ મોટા ફેરફારથી ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે નવી દિશા ખુલશે.