Loading Please Wait !!!
વિદેશ મંત્રીઓની બેઠક પહેલા જ મિસાઇલ પ્રહાર; હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ

  • વિદેશ મંત્રીઓની બેઠક પહેલા જ મિસાઇલ પ્રહાર; હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ
  • 20,000 નાગરિકોના જીવ અધ્ધર; અમેરિકા અને ઇરાન વચ્ચે ભીષણ ગોળીબાર
  • વાંગ ચી અને અબ્બાસ અરાઘચીની મીટિંગમાં હુમલાને મુદ્દે ભારે ગરમાવો

સિટી ન્યુઝ @ બૈજિંગ :  પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વૈશ્વિક મહાસત્તાઓને પણ પોતાની લપેટમાં લઈ રહ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે હોર્મુઝની ખાડીમાં ચીની ક્રૂ સભ્યોને લઈ જઈ રહેલા એક ઓઇલ ટેન્કર પર મોટો હુમલો થયો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે અને અમેરિકા તથા ઇરાન વચ્ચે સીધો સશસ્ત્ર સંઘર્ષ છેડાયો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા બિન જીચાને જણાવ્યું હતું કે આ હુમલાથી ચીન અત્યંત ચિંતિત છે અને પ્રભાવિત જહાજો તથા ક્રૂની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હોર્મુઝ સ્ટ્રેઇટ્સમાંથી પસાર થઈ રહેલી અમેરિકન નેવીની ત્રણ ડિસ્ટ્રોયર્સ પર ઇરાને હુમલો કર્યો હતો, જેના વળતા જવાબમાં બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ સંઘર્ષ દરમિયાન જ ચીની ક્રૂ ધરાવતા ટેન્કરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અમેરિકાએ તેની જવાબી કાર્યવાહીમાં ઇરાનના વિવિધ બંદરો અને ટાપુઓ પર હુમલા કર્યા છે. આ સ્થિતિમાં પોતાના જહાજ પર થયેલા હુમલાથી મહાબળ ચીન ભડકી ઉઠ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આકરી પ્રતિક્રિયા આપી છે.

ચીની મીડિયાના અહેવાલો મુજબ, સોમવારે જ્યારે આ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેઇટ્સ પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેના પર 'ચાયના ઓનર એન્ડ ક્રૂ' તેવા મોટા અક્ષરે લખેલું હોવા છતાં મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રવક્તા બિન જીચાને પત્રકારોને માહિતી આપી હતી કે જહાજ પર ચીની નાગરિકો હાજર હતા, જોકે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ચીન ઇરાનના તેલનું સૌથી મોટું ખરીદનાર હોવા છતાં તેના જ જહાજ પર થયેલો આ હુમલો મુત્સદ્દીગીરીની દ્રષ્ટિએ મોટો આંચકો માનવામાં આવે છે.

આ હુમલો ત્યારે થયો જ્યારે ચીનના વિદેશ મંત્રી વાંગ ચી અને ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી. બેઠક પહેલા જ થયેલા આ હુમલાને કારણે ચીન ઇરાન પર ભારે નારાજ જોવા મળ્યું હતું. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેઇટ્સને ફરીથી ખોલવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ચીને આ હુમલા અંગે ઇરાન સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવને ઘટાડવા અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું.

મેરીટાઈમ સિક્યોરિટી બોર્ડના જણાવ્યા અનુસાર, જે જહાજને નુકસાન થયું છે તે માર્શલ આઇલેન્ડનો ધ્વજ ધરાવતું હતું અને તે ઓઇલ પ્રોડક્ટસ તથા કેમિકલ ટેન્કર જેવી ઇનોવેશન હોવાનું મનાય છે. આ ઘટના યુએઇના તટ પર મીના સકર બંદર પાસે બની હતી. અત્યંત ખેદની વાત એ છે કે ઇરાન-અમેરિકા યુદ્ધના કારણે ગલ્ફ ઓફ ઇરાનમાં હાલ અનેક જહાજો ફસાયેલા છે, જેમાં આશરે 20,000 નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર વધતા હુમલાઓએ વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા સામે મોટું સંકટ ઉભું કર્યું છે.