અમેરિકાના ‘૧૪ મુદ્દા’ના શાંતિ પ્રસ્તાવ પર ઈરાનનો જવાબ: પાકિસ્તાન બન્યું મધ્યસ્થી
- સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની સૈન્ય બેઠક બાદ નવા રણનીતિક નિર્દેશો; યુદ્ધ વકરવાના એંધાણ
- હોર્મુઝની ખાડીમાં ૨૦,૦૦૦ ભારતીય નાવિકોના જીવ જોખમમાં: NUSI એ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ
- IRGC ના આક્રમક તેવર; અમેરિકાના પ્રાદેશિક હિતોને નિશાન બનાવવાની આપી ધમકી
સિટી ન્યુઝ @ દુબઈ/તહેરાન
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધનો કાયમી અંત લાવવા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા ૧૪ મુદ્દાના શાંતિ પ્રસ્તાવનો જવાબ ઈરાને પાકિસ્તાન મારફત મોકલી દીધો છે. પાકિસ્તાને પણ આ જવાબ મળ્યો હોવાની પુષ્ટિ કરી છે. જોકે, આ શાંતિ પ્રક્રિયા વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અને સૈન્ય લીડરશિપ વચ્ચે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઈરાની સેનાને નવા ‘રણનીતિક નિર્દેશો’ આપવામાં આવ્યા છે, જેને પગલે મધ્ય-પૂર્વમાં ફરીથી મોટું યુદ્ધ ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા યુદ્ધાભ્યાસ અને તણાવને કારણે ૨૦,૦૦૦થી વધુ ભારતીય નાવિકો ફસાઈ ગયા હોવાના અહેવાલ છે. નેશનલ યુનિયન ઓફ સીફેયર્સ ઓફ ઈન્ડિયા (NUSI) ના મહાસચિવ મિલિંદ કંદલગાંવકરે કેન્દ્ર સરકારને આજીજી કરી છે કે આ સ્થિતિને ‘રાષ્ટ્રીય પ્રાથમિકતા’ ગણીને ભારતીય નાવિકોને સલામત બહાર કાઢવામાં આવે. ખાડી ક્ષેત્રમાં ફસાયેલા નાવિકો હાલમાં સતત મિસાઈલ, ડ્રોન હુમલા અને સાયબર જોખમો વચ્ચે માનસિક તણાવમાં જીવી રહ્યા છે.
ઈરાનની સરકારી એજન્સીઓના જણાવ્યા મુજબ, અમેરિકાએ લેબેનોનમાં હિઝબુલ્લાહ સહિતના તમામ મોરચા પર યુદ્ધ વિરામ અને જહાજોના સુરક્ષિત પરિવહન માટે શરતો મૂકી હતી. આ દરમિયાન ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકા અને ઈઝરાયેલને કઠોર ચેતવણી આપતા કહ્યું છે કે જો ઈરાની ઓઈલ ટેન્કરો અથવા વ્યાપારિક જહાજો પર હુમલો થશે, તો ઈરાન નિર્ણાયક અને ઉગ્ર જવાબ આપશે.
અમેરિકાની નાકાબંધીને કારણે ઈરાન હાલમાં ગંભીર આર્થિક અને તકનીકી સંકટમાં મુકાયું છે. ઈરાન દરરોજ ૩૦ લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે, પરંતુ નાકાબંધીને લીધે તેના ટેન્કરો પર્શિયન ગલ્ફમાંથી બહાર નીકળી શકતા નથી. ખાર્ગ ટાપુ પર ક્રૂડનો સંગ્રહ કરવાની ક્ષમતા હવે ખતમ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, સંગ્રહની જગ્યા ન હોવાથી ઈરાન હવે ઉત્પાદિત વધારાનું ક્રૂડ ઓઈલ દરિયામાં વહાવી રહ્યું હોવાની અટકળોએ જોર પકડ્યું છે. આ સ્થિતિ મધ્ય-પૂર્વના રાજકારણ અને વૈશ્વિક અર્થતંત્ર માટે આવનારા દિવસોમાં વધુ પડકારજનક સાબિત થઈ શકે છે.