તમિલનાડુમાં શપથ બાદ જ સંગ્રામ: મુખ્યમંત્રી વિજય અને સહયોગી VCK વચ્ચે ‘ગીત’ યુદ્ધ
- તમિલ ગીત’ ના અપમાનનો આક્ષેપ; ‘વંદે માતરમ’ ને પ્રાધાન્ય આપતા થિરુમાવલવન લાલચોળ
- રાજ્યપાલને ખુશ કરવા પરંપરા તોડી? VCK એ પૂછ્યું- ‘તમિલ થાઈ વલથુ’ છેલ્લે કેમ?
- લોકોમાં ડર પેદા કરવાનું બંધ કરો’; આર્થિક નિવેદન પર સહયોગી પક્ષનો પલટવાર
સિટી ન્યુઝ @ ચેન્નાઈ: તમિલનાડુમાં નવી સરકારની રચનાના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી વિજય (TVK) અને તેમના મુખ્ય સહયોગી પક્ષ VCK વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ગીતોના ક્રમમાં થયેલા ફેરફાર અને રાજ્યના આર્થિક દેવા અંગે મુખ્યમંત્રીએ આપેલા નિવેદનથી VCK ના વડા થૌલ થિરુમાવલવન ભારે નારાજ જોવા મળી રહ્યા છે. શાસનની શરૂઆતમાં જ સાથી પક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા રાજ્યના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
થિરુમાવલવને ગંભીર આરોપ લગાવ્યો છે કે શપથ ગ્રહણ સમારોહમાં તમિલનાડુની વર્ષો જૂની પરંપરાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે સરકારી કાર્યક્રમોમાં રાજ્ય ગીત 'તમિલ થાઈ વલથુ' સૌથી પહેલા ગાવામાં આવે છે, પરંતુ વિજયના સમારોહમાં સૌથી પહેલા 'વંદે માતરમ' વગાડવામાં આવ્યું અને રાજ્ય ગીતને છેલ્લું સ્થાન અપાયું. VCK પ્રમુખે સવાલ કર્યો છે કે શું આ નિર્ણય ગવર્નરને ખુશ કરવા માટે લેવામાં આવ્યો હતો? તેમણે મુખ્યમંત્રીની વિચારધારા પર શંકા વ્યક્ત કરતા પૂછ્યું છે કે શું ભવિષ્યમાં પણ તમિલ અસ્મિતા સાથે આવી જ રીતે બાંધછોડ કરવામાં આવશે?
બીજી તરફ, આર્થિક મોરચે પણ બંને પક્ષો આમને-સામને છે. મુખ્યમંત્રી વિજયે પદ સંભાળતા જ નિવેદન આપ્યું હતું કે અગાઉની સરકાર તમિલનાડુ પર ₹10 લાખ કરોડનું દેવું મૂકી ગઈ છે. આ બાબતે VCK એ પલટવાર કરતા કહ્યું કે ફક્ત મોટા આંકડા બતાવીને લોકોમાં ડર પેદા કરવો જોઈએ નહીં. દેવાનું મૂલ્યાંકન હંમેશા રાજ્યના જીડીપી (GSDP) ના ગુણોત્તરમાં થવું જોઈએ અને તમિલનાડુની આર્થિક સ્થિતિ હજુ મર્યાદામાં છે.
જોકે, મતભેદો વચ્ચે VCK એ વિજય સરકારના કેટલાક ક્રાંતિકારી નિર્ણયોનું સ્વાગત પણ કર્યું છે. નશામુક્તિ, મહિલા સુરક્ષા અને 200 યુનિટ મફત વીજળી આપવાના નિર્ણયને પક્ષે બિરદાવ્યો છે. તેમ છતાં, થિરુમાવલવને સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે મુખ્યમંત્રી પોતાની સરકારની ધર્મનિરપેક્ષતા જાળવી રાખે અને જનતા તેમજ સહયોગી પક્ષોના મનમાં ગીતોના ક્રમથી ઉભી થયેલી શંકાઓ દૂર કરે. હવે જોવાનું એ રહેશે કે સુપરસ્ટારમાંથી સીએમ બનેલા વિજય પોતાના પ્રથમ ગંભીર રાજકીય સંકટને કેવી રીતે ઉકેલે છે.