Loading Please Wait !!!
ટ્રમ્પની વેપાર રણનીતિને અમેરિકન કોર્ટનો મોટો ઝાટકો: 10% વૈશ્વિક ટેરિફ રદ

  • 1974ના વેપાર કાયદાનો દુરુપયોગ બદલ ફટકાર; 5 દિવસમાં નાણાં પરત કરવાનો આદેશ
  • 24 રાજ્યો અને વેપારીઓની જીત; કોર્ટે પ્રેસિડેન્ટના તર્કને પાયાવિહોણો ગણાવ્યો
  • 1.2 ટ્રિલિયન ડોલરની ખાધનું બહાનું ન ચાલ્યું; કોર્ટે સરકારને ઝાટકણી કાઢી

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈરાન સામેના સંઘર્ષમાં મળેલી નામોશી બાદ હવે ઘરઆંગણે ન્યાયિક મોરચે પણ તેમને મોટો ફટકો પડ્યો છે. ગુરુવારે અમેરિકન કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 10% વૈશ્વિક આયાતવેરાને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 1970ના દશકાના વેપાર કાયદાનો હવાલો આપીને લાદવામાં આવેલો આ વેરો તર્કસંગત નથી અને કાયદાકીય માપદંડો પર ખરો ઉતરતો નથી.

ટ્રમ્પ તંત્રએ 24 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર વિશ્વમાંથી અમેરિકામાં આવતા સામાન પર 10% નવો આયાતવેરો લાગુ કર્યો હતો. આ નિર્ણય સામે અમેરિકાના 24 રાજ્યો અને અનેક નાના વેપારીઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. રાજ્યોની મુખ્ય દલીલ એવી હતી કે ટ્રમ્પે આ પગલું સુપ્રીમ કોર્ટના 2025ના તે ચુકાદાથી બચવા માટે લીધું હતું, જેમાં અગાઉના ભારે વેરાને ગેરબંધારણીય ગણાવી રદ કરાયો હતો. આંતરરાષ્ટ્રીય કોર્ટે 2-1ની બહુમતીથી ચુકાદો આપતા કહ્યું કે પ્રેસિડેન્ટે 1974ના વેપાર કાયદાની કલમ 122નો ખોટો ઉપયોગ કર્યો છે.

કાયદાની જોગવાઈ મુજબ, પ્રેસિડેન્ટ ફક્ત ત્યારે જ આવો વેરો લાદી શકે છે જ્યારે દેશ ચૂકવણીના મોરચે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો હોય અથવા ડોલરના મૂલ્યમાં થઈ રહેલા ભારે ઘટાડાને રોકવાની તાતી જરૂર હોય. કોર્ટે સરકારને કડક આદેશ આપ્યો છે કે તે પાંચ દિવસની અંદર આ ચુકાદાનું પાલન શરૂ કરે અને જે આયાતકારોએ અત્યાર સુધી આ ટેક્સ ભર્યો છે, તેમને વ્યાજ સાથે નાણાં પરત કરવામાં આવે. આ નિર્ણયથી આયાતકારોમાં ખુશીની લહેર જોવા મળી છે.

જોકે, આ ચુકાદામાં કેટલીક છૂટછાટ પણ છે. સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ સેક્ટર પર લાગેલા જૂના ટેરિફ યથાવત રહેશે, કારણ કે તે આ કાયદાકીય પડકાર કે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાના દાયરામાં આવતા નથી. ટ્રમ્પ વહીવટીતંત્રએ પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે અમેરિકાની ખાધ 1.2 ટ્રિલિયન ડોલરે પહોંચી ગઈ છે અને ચાલુ ખાતાની ખાધ જીડીપીના 4% છે. પરંતુ અર્થશાસ્ત્રીઓએ કોર્ટને જણાવ્યું હતું કે અમેરિકા હાલમાં કોઈપણ પ્રકારની ચૂકવણીની કટોકટીનો સામનો કરી રહ્યું નથી.

કોર્ટના આ નિર્ણયથી ટ્રમ્પ તંત્રની વ્યાપારી રણનીતિ સમય પહેલાં જ સંકટમાં મૂકાઈ ગઈ છે. આ 10% ગ્લોબલ ટેરિફ 24 જુલાઈના રોજ ખતમ થવાના હતા, પરંતુ કોર્ટે તેને ગેરકાયદેસર ઠેરવીને સરકારને ઝાટકો આપ્યો છે. હવે ટ્રમ્પ સરકાર પાસે આ ચુકાદાને યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકારવાનો વિકલ્પ બચ્યો છે. જો ન્યાય વિભાગ અપીલ કરે છે, તો આગામી દિવસોમાં અમેરિકાની વ્યાપાર નીતિ અને ન્યાયતંત્ર વચ્ચે ફરી એકવાર મોટો ઘર્ષણ જોવા મળી શકે છે.