Loading Please Wait !!!
કિમ જોંગ-ઉનની હત્યા થશે તો દુનિયા પર થશે પરમાણુ પ્રહાર: ઉત્તર કોરિયાનું નવું બંધારણ

  • ઈરાનના સુપ્રીમ લીડરના મોત બાદ પ્યોંગયાંગ ફફડ્યું; અમેરિકા-ઈઝરાયેલને રોકવા ‘ડેડ હેન્ડ’ પોલિસી
  • ઈરાન પરના ‘ડિકેપિટેશન સ્ટ્રાઈક’થી કિમ જોંગ સ્તબ્ધ; સુરક્ષા માટે કાયદામાં કર્યો મોટો ફેરફાર
  • સુપ્રીમ લીડર અસમર્થ હશે તો સેના પોતાની રીતે કરશે અણુ હુમલો; સંસદીય સત્રમાં લેવાયો નિર્ણય

સિટી ન્યુઝ @ પ્યોંગયાંગ : ઉત્તર કોરિયાએ તેના બંધારણ અને પરમાણુ નીતિમાં એક અત્યંત ક્રાંતિકારી અને ભયાનક જોગવાઈ ઉમેરીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. નવી જોગવાઈ મુજબ, જો દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉનની હત્યા કરવામાં આવે છે અથવા કોઈ વિદેશી હુમલા દરમિયાન તેઓ નેતૃત્વ કરવાની સ્થિતિમાં ન હોય, તો ઉત્તર કોરિયાની સેના કોઈ પણ આદેશની રાહ જોયા વગર તરત જ દુશ્મન દેશો પર પરમાણુ હુમલો કરી દેશે. આ ફેરફાર માર્ચ મહિનામાં તેહરાન (ઈરાન) પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ કરવામાં આવ્યો છે.

બ્રિટિશ અખબાર 'ધ ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ, ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના ડ્રોન હુમલામાં થયેલા મોતથી કિમ જોંગ-ઉન ભારે ફફડાટમાં છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર, પ્યોંગયાંગને ડર છે કે ભવિષ્યમાં તેની વિરુદ્ધ પણ 'ડિકેપિટેશન સ્ટ્રાઈક' (ટોપ નેતૃત્વને ખતમ કરતો હુમલો) થઈ શકે છે. આ જોખમને ટાળવા માટે 22 માર્ચે યોજાયેલી 15મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના સત્રમાં આ નવી નીતિને બંધારણનો ભાગ બનાવી દેવામાં આવી છે.

ડિફેન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ઈરાન પર થયેલા ઓપરેશનની ચોકસાઈ અને ઝડપે ઉત્તર કોરિયાને હચમચાવી દીધું છે. કૂકમિન યુનિવર્સિટીના પ્રોફેસર આન્દ્રેઈ લાંકોવે જણાવ્યું હતું કે ઈરાન પર થયેલો હુમલો ઉત્તર કોરિયા માટે 'વેક-અપ કોલ' સાબિત થયો છે. અત્યાર સુધી આવી નીતિ અનૌપચારિક રીતે અસ્તિત્વમાં હોઈ શકે છે, પરંતુ હવે તેને કાયદાકીય સ્વરૂપ આપીને અમેરિકા અને તેના સહયોગી દેશોને ગંભીર ચેતવણી આપવામાં આવી છે.

જોકે, નિષ્ણાતો એ પણ માને છે કે ઈરાનની સરખામણીએ ઉત્તર કોરિયામાં આવો હુમલો કરવો અત્યંત મુશ્કેલ છે. ઉત્તર કોરિયા દુનિયાનો સૌથી રહસ્યમય અને બંધ દેશ છે, જ્યાં વિદેશીઓ અને ઇન્ટરનેટ પર સરકારનું કડક નિયંત્રણ છે. ઈઝરાયેલી એજન્સીઓએ ઈરાનમાં ટ્રાફિક કેમેરા હેક કરીને નેતાઓ પર નજર રાખી હતી, પરંતુ પ્યોંગયાંગમાં આવું ડિજિટલ નેટવર્ક મર્યાદિત હોવાથી હાઈટેક સર્વેલન્સ કરવું અશક્ય જેવું છે.

કિમ જોંગ-ઉન પોતાની સુરક્ષા માટે હંમેશા સજાગ રહે છે. તેઓ હવાઈ મુસાફરી ટાળે છે અને પોતાની બખ્તરબંધ ટ્રેનનો ઉપયોગ કરે છે તેમજ તેમની સાથે હંમેશા કમાન્ડોનું મોટું જૂથ તૈનાત હોય છે. બંધારણમાં આ નવી જોગવાઈ ઉમેરીને કિમ જોંગે સાબિત કરી દીધું છે કે તેઓ પોતાની સત્તા અને જીવ બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આ નિર્ણયથી કોરિયન દ્વીપકલ્પમાં તણાવની સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે.