Loading Please Wait !!!
મિડલ-ઈસ્ટ રણમેદાન બન્યું: હોર્મુઝની ખાડીમાં અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ જંગ

  • ઈરાને અમેરિકી યુદ્ધજહાજ પર મિસાઈલ છોડી; વળતા જવાબમાં ટ્રમ્પની ‘લવ ટેપ’ કાર્યવાહી
  • અમેરિકાએ ઈરાનના મિલિટરી બેઝ ફૂંકી માર્યા; તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ હાઈ એલર્ટ પર
  • ડ્રોન અને મિસાઈલ એટેકથી હોર્મુઝ ગુંજ્યું; ચીનના વિદેશ મંત્રીની મુલાકાત પહેલા જ હુમલો

સિટી ન્યુઝ @ તેહરાન : પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણાની આશાઓ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભીષણ સશસ્ત્ર સંઘર્ષ છેડાયો છે. હોર્મુઝની ખાડી અને ઓમાનના સમુદ્રમાં પસાર થઈ રહેલા અમેરિકન નૌકાદળના ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજને નિશાન બનાવીને ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, સાતમી મેના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના વળતા જવાબમાં અમેરિકી દળોએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર પ્રચંડ બોમ્બમારો કરી ઈરાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

અમેરિકાએ ઈરાનના કાશેમ, બંદર અબ્બાસ અને મીનાબ શહેરમાં આવેલા વ્યૂહાત્મક સૈન્ય મથકો અને કમાન્ડ-કંટ્રોલ સેન્ટરોને નષ્ટ કર્યા હોવાના અહેવાલો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીને 'લવ ટેપ' ગણાવીને જણાવ્યું છે કે ઈરાનના દુસાહસ સામે આ એક ચોક્કસ કાર્યવાહી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનના આવા હુમલા છતાં અમેરિકા મંત્રણાના દરવાજા ખુલ્લા રાખશે. અમેરિકાની આ આક્રમક કાર્યવાહી બાદ ઈરાને પોતાની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે અને યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે.

બીજી તરફ, ઈરાને યુનાઈટેડ આરબ અમીરાત (UAE) પર પણ મોટાપાયા પર ડ્રોન અને મિસાઈલોનો વરસાદ વરસાવ્યો છે. યુએઈ સરકારના જણાવ્યા મુજબ આ હુમલામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને અનેક સ્થળોએ નુકસાન થયું છે. આ દરમિયાન હોર્મુઝની ખાડીમાં ચીનના ક્રૂને લઈ જઈ રહેલા એક ઓઈલ ટેન્કરને પણ નિશાન બનાવવામાં આવતા ચીન રોષે ભરાયું છે. નોંધનીય છે કે આ હુમલો એવા સમયે થયો જ્યારે ચીન અને ઈરાનના વિદેશ પ્રધાનો એક મહત્વપૂર્ણ બેઠક કરવાના હતા, જેને પગલે ચીની વિદેશ મંત્રાલયે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ઈરાને માત્ર મિસાઈલ જ નહીં પરંતુ નાના નૌકાવાહનો મોકલીને પણ અમેરિકી જહાજોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમેરિકી લશ્કરે ઈરાનના આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. કમાન્ડે દાવો કર્યો છે કે આ અથડામણમાં અમેરિકાના કોઈપણ જહાજને નુકસાન થયું નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. તેમ છતાં, હોર્મુઝ જેવા અત્યંત મહત્વના સમુદ્રી માર્ગ પર ફરીથી લડાઈ છેડાતા વૈશ્વિક તેલ સપ્લાય અને વેપાર પર સંકટના વાદળો ઘેરાયા છે.

હાલની સ્થિતિ જોતા પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ આ વિસ્તારમાં તણાવ વધારવા માંગતા નથી, પરંતુ જો અમેરિકન દળો પર હુમલો કરવામાં આવશે તો તેઓ ચોક્કસપણે અને અત્યંત ઘાતક રીતે તેનો વળતો જવાબ આપીશું. શાંતિ મંત્રણાના ટેબલ અને યુદ્ધના મેદાન બંને જગ્યાએ સ્થિતિ નાજુક બની રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનો આ સંઘર્ષ જો વધુ ઉગ્ર બનશે તો તે સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.