Loading Please Wait !!!
કાળઝાળ ગરમીમાં નિધિ સ્કૂલ દ્વારા ફ્રી છાશ વિતરણ

  • ગાંધીગ્રામમાં રોજ સવારે જરૂરિયાતમંદોને 1 લીટર છાશ અપાશે
  • 14 મેથી ગોવર્ધન ગૌશાળાના સહયોગથી સેવાકાર્યનો પ્રારંભ

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે અસહ્ય તાપમાં રાહદારીઓ અને શ્રમિક વર્ગના લોકોને ટાઢક મળે તેવા ઉમદા હેતુથી નિધિ સ્કૂલ દ્વારા એક સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ નિધિ સ્કૂલ અને ગોવર્ધન ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે આગામી 14 મે (ગુરુવાર) થી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં  આવનાર છે.

ગાંધીગ્રામ વિસ્તારમાં 80 ફૂટ રોડ પર, ભારતીય નગર-2 ખાતે આવેલી નિધિ સ્કૂલ પર દરરોજ સવારે 11 થી 1 વાગ્યા સુધી છાશનું વિતરણ કરવામાં આવશે. આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આ કેન્દ્રમાં પરિવાર દીઠ 1 લીટર છાશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. આ સેવાકીય કેન્દ્રના શુભારંભ પ્રસંગે વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને પોતાના હસ્તે છાશનું વિતરણ કરશે.

ગરમીમાં લોકોને રાહત આપવાના આ ફ્રી છાશ વિતરણના આયોજનને સફળ બનાવવા માટે યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, નીરવ વ્યાસ, પ્રશાંત સિંધવ, અવી મકવાણા અને વિશાલ ચાવડા તેમજ તેમનું મિત્ર મંડળ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. આયોજક કમિટી દ્વારા શ્રમિકો અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સવારે 10 થી 1 દરમિયાન નિધિ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહી આ સેવાકીય કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.