Loading Please Wait !!!
ગુજરાતમાં સબંધોમાં જ લોહિયાળ કાંડ



  • અંબાજીના હડાદ ગામની ઘટના

  • પિતા-કાકાએ માનસિક અસ્થિર પુત્રની હત્યા કરી
  • ઝઘડા બાદ હથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો


સિટી ન્યૂઝ@હડાદ : હડાદ તાલુકાના બામણોજ ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પિતા અને કાકાએ મળીને પોતાના માનસિક અસ્થિર પુત્રની હત્યા કરી દીધી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતક વિજય (ઉંમર 25) છેલ્લા ત્રણ-ચાર વર્ષથી માનસિક રીતે અસ્થિર હતો. તે પરિવારજનો અને ગ્રામજનો સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને પથ્થરો કે લાકડી વડે હુમલો પણ કરતો હતો. તેના ત્રાસથી પરિવારજનો કંટાળી ગયા હતા અને તેની માનસિક સારવાર પણ કરાવી હતી.

આ બનાવ 3 મે, 2026ના રોજ બન્યો હતો. વિજયે પરિવારના સભ્યો પર હુમલો કર્યા બાદ તે ખેતરે ગયો હતો. ત્યાં તેના પિતા હરિભાઈ રેવાભાઈ પ્રજાપતિ અને કાકા પંકજભાઈ રેવાભાઈ પ્રજાપતિ સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને પિતા-કાકાએ વિજયના માથાના ભાગે હથોડીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

હત્યા બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાના ઇરાદે મૃતદેહની અંતિમવિધિ પણ કરી દીધી હતી. જોકે, મૃતકની માતા ગીતાબેન હરિભાઈ પ્રજાપતિએ હડાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ડીવાયએસપી વી.બી. બારડે જણાવ્યું હતું કે, 8 મે, 2026ના રોજ હડાદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


દહેગામની હચમચાવતી ઘટના

નાના ભાઈએ મોટાભાઈની ધોકાથી હત્યા કરી

નાનાભાઈની ઊંઘ ઉડાડી ભેંસો ચરાવવા જવાનું કહેતા ડખ્ખો થયો


ઊંઘમાં ખલેલ પડતાં માણસ કેટલો હિંસક બની શકે છે તેનો એક કરુણ કિસ્સો દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે પ્રકાશમાં આવ્યો છે. ભેંસો ચરાવવા જવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં નાના ભાઈએ પોતાના સગા મોટા ભાઈના માથામાં લાકડાનો ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બનાવ અંગે માતાએ પોતાના જ નાના પુત્ર વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગત તારીખ 26 એપ્રિલના રોજ સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં હરખજીના મુવાડા ગામે નિશાળવાળા વાસમાં રહેતો અર્જુનસિંહ ઉર્ફે મેહુલ ભીખુસિંહ ચૌહાણ ઊંઘી રહ્યો હતો. આ દરમિયાન તેના મોટા ભાઈ કરણસિંહ ઉર્ફે મોન્ટુએ તેને જગાડીને ભેંસો ચરાવવા જવા માટે કહ્યું હતું.

જોકે મેહુલે થોડીવાર પછી જવાનું કહેતા બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. અને મામલો વધુ બિચકતા મેહુલે પાસે પડેલો લાકડાનો ધોકો કરણસિંહના માથામાં ઝીંકી દીધો હતો. જેના કારણે માથામાં ગંભીર ઈજા થતાં કરણસિંહને તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યો હતો.

જોકે પરિવારજનોએ પોલીસ સમક્ષ સાચી હકીકત છુપાવી હતી. એ વખતે પિતા ભીખુસિંહે પોલીસને જણાવ્યું હતું કે કરણસિંહ એક્ટિવા પરથી પડી જતાં તેને ઈજા થઈ છે. ત્યારબાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેના માથાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

પરંતુ અમદાવાદ સિવિલમાં 13 દિવસની લાંબી સારવાર બાદ આખરે કરણસિંહે દમ તોડ્યો હતો. ત્યારે પુત્રના મોત બાદ માતા જબાબેન ચૌહાણે હિંમત ભેગી કરી દહેગામ પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાવી હતી. જેના પગલે પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી પુત્ર અર્જુનસિંહ ઉર્ફે મેહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.