ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી: ‘હવે તમારું હસવાનું બંધ થશે, રમત પૂરી થઈ’
- 47 વર્ષની વ્યૂહનીતિ સામે ટ્રમ્પ લાલચોળ; સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટથી ખળભળાટ
- અબજો ડોલરની આર્થિક મદદ મુદ્દે પૂર્વ પ્રમુખો પર પ્રહાર; અમેરિકાની નવી વિદેશ નીતિના સંકેત
- તેહરાનને મળતી આર્થિક મદદ અને હિંસા મુદ્દે ટ્રમ્પના આકરા સવાલો; સાથી દેશોને થયેલા નુકસાનનો ઉલ્લેખ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીધું યુદ્ધ છેડતા હોય તેવા આક્રમક તેવર બતાવ્યા છે. સોશિયલ મીડિયા પર કરેલી એક અત્યંત કડક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન છેલ્લા 47 વર્ષથી અમેરિકા અને સમગ્ર વિશ્વ સાથે રમત રમી રહ્યું છે, પરંતુ હવે આ રમતનો અંત નજીક છે. તેમણે ચેતવણી આપતા લખ્યું કે, "ટૂંક સમયમાં જ ઈરાનનું હસવાનું બંધ થઈ જશે." ટ્રમ્પનું આ નિવેદન પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન માટે એક ગંભીર સૈન્ય અને આર્થિક પડકાર માનવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં માત્ર ઈરાનને જ નહીં, પરંતુ અમેરિકાના પૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને જો બાઈડેનને પણ આડે હાથ લીધા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે ઓબામા પ્રશાસને ઈરાનને અબજો ડોલરની આર્થિક મદદ કરીને તેને મજબૂત બનાવવાની મોટી ભૂલ કરી હતી. ટ્રમ્પના મતે, ઓબામાના નરમ વલણને કારણે અમેરિકાના સાથી દેશોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ સાથે જ તેમણે જો બાઈડેનને 'નબળા નેતૃત્વ' વાળા પ્રમુખ ગણાવીને તેમની વિદેશ નીતિની આકરી ટીકા કરી હતી.
પોતાના નિવેદનમાં ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને દાયકાઓ સુધી હિંસા અને વિરોધ પ્રદર્શનો દ્વારા વિશ્વમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે અમેરિકા પોતાની નીતિ બદલી ચૂક્યું છે અને ઈરાન વધુ સમય સુધી દુનિયાને છેતરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અગાઉ પણ ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાને એકપક્ષીય રીતે અલગ કરીને પોતાની કડક છાપ ઊભી કરી હતી.
ઈરાન સામેની આ ધમકીઓ વચ્ચે ટ્રમ્પે એક મોટી રાજદ્વારી સફળતાની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તેમની મધ્યસ્થીને કારણે બેલારૂસ અને રશિયાની કેદમાંથી પાંચ વિદેશી નાગરિકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવ્યા છે. આ મુક્ત થયેલા કેદીઓમાં પોલેન્ડના ત્રણ અને મોલ્ડોવાના બે નાગરિકોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે આ સફળતાને પોતાની વ્યૂહનીતિની જીત ગણાવી હતી. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને મજબૂત મધ્યસ્થી દ્વારા રશિયા-બેલારૂસ જેવા દેશો પર પણ પ્રભાવ પાડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પની આ નવી ધમકી બાદ ઈરાન કેવો વળતો પ્રતિસાદ આપે છે.