શિક્ષણમંત્રી રીવાબા જાડેજારાજકોટમાં સ્કૂલ માફિયા ગરીબ વિદ્યાર્થીઓનો હક્ક છીનવી રહ્યા છે !
મંત્રીશ્રી-ધારાસભ્યો બાળકોને શિક્ષણથી વંચિત ન રાખો...
સિટી ન્યૂઝ@રાજકોટ
જન કી બાત અનિરુદ્ધ નકુમ
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને વંચિત વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે અમલમાં મૂકાયેલી Right to Education (RTE) યોજના ખરેખર પ્રશંસનીય છે. આ યોજનાથી અનેક પરિવારોમાં આશાનો દીવો પ્રગટ્યો છે. ખાસ કરીને ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આ યોજના ગરીબ બાળકો માટે શિક્ષણનું સશક્ત સાધન બની શકે છે. પરંતુ જમીન સ્તરે તેની અમલવારીમાં ગંભીર ખામીઓ સામે આવી રહી છેજેનું તાજું ઉદાહરણ રાજકોટ શહેરમાં જોવા મળે છે. રાજકોટની ધોળકિયા સ્કૂલ અંગે ઉઠેલા પ્રશ્નો ચિંતાજનક છે. માહિતી મુજબ, આરટીઈ હેઠળ પસંદગી પામેલા બાળકોને પ્રવેશ આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી (DDO) દ્વારા સત્તાવાર પત્ર આપવામાં આવ્યો હોવા છતાં, સ્કૂલ દ્વારા "એડમિશન હાઉસફૂલ" હોવાનું કહીને બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તપાસ કરતાં જાણવા મળે છે કે આરટીઈ હેઠળની ૨૫% અનામત બેઠકો હજુ ખાલી છે. આમ છતાં, વાલીઓને વારંવાર ના પાડવામાં આવે છે.
પરિણામે, ૮ જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં આજે સુધી અનેક બાળકો શિક્ષણથી વંચિત છે. શું ખાનગી શાળાઓ સરકારના નિયમોથી ઉપર છે? જિલ્લા શિક્ષણ તંત્ર કેમ મૌન છે? ગરીબ બાળકોના હક્કનું રક્ષણ કોણ કરશે? એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે જે બાળકોને અધિકાર મળ્યો છે, તેમને જ દરવાજા બહાર રાખવામાં આવે છે. આ વિસંગતિ માત્ર તંત્રની નિષ્ફળતા નહીં પરંતુ સમાજ માટે ચેતવણી છે. શિક્ષણ માત્ર નીતિનો મુદ્દો નથી તે દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. જો આ અધિકારનો ભંગ થશે, તો ભવિષ્યમાં તેની ગંભીર સામાજિક અસર પડશે. આથી રાજ્યના શિક્ષણ મંત્રી અને સંબંધિત અધિકારીઓને વિનંતી છે કે તેઓ તાત્કાલિક રાજકોટ આવી આ મામલાની નિષ્પક્ષ તપાસ કરે અને દોષિત સામે કડક કાર્યવાહી કરે. ગરીબ બાળકોનું ભવિષ્ય અંધકારમય બનવા દેવું એ કોઈ પણ સંવેદનશીલ સમાજ માટે સ્વીકાર્ય નથી. બાળકો ભગવાનનું સ્વરૂપ છેતેમના શિક્ષણ સાથે સમાધાન નહીં, પણ સંરક્ષણ થવું જોઈએ.