Loading Please Wait !!!
ગુજરાત કોંગ્રેસ જૂથવાદમાં ફસાઈ, રાહુલ ગાંધીનું 2027ની ચૂંટણી જીતવાનું સપનું જોખમમાં ?

અનેક સવાલો | અધુરી પ્રદેશ બોડી, જૂથવાદ, નિષ્ક્રિય સંગઠન, બહારથી આવતા પ્રભારીઓ મુદ્દે કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ

રાહુલ ગાંધી ગુજરાતમાં લાંબો સમય રોકાઈને 2027ની તૈયારીઓની સમીક્ષા કરશે તેવી ચર્ચા વચ્ચે કોંગ્રેસ માટે સૌથી મોટો સવાલ એ છે કે અગાઉના વચનોનું શું થયું ?

અંદર કી બાત @ અનિરુદ્ધ નકુમ 

ગુજરાતમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને હવે પૂરતો સમય બાકી છે, પરંતુ કોંગ્રેસ માટે સમય આરામ કરવાનો નહીં, સંગઠનને મૂળથી મજબૂત કરવાનો છે. ભાજપને પડકારવાનો રાજકીય સંકલ્પ અનેક વખત જાહેર થઈ ચુક્યો છે; હવે જરૂર છે એ સંકલ્પને જમીન પર ઉતારી સ્પષ્ટ અને પરિણામલક્ષી વ્યૂહરચનાની.

કોંગ્રેસ દ્વારા પ્રદેશના આગેવાનો, જિલ્લા અને શહેર પ્રમુખોને તાલીમ આપવાની કવાયત શરૂ થવાની ચર્ચા છે. આવી તાલીમ જરૂરી છે, પરંતુ માત્ર તાલીમ, ભાષણો અને પ્રોજેક્શનથી ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે બૂથ સુધી પહોંચતું સંગઠન, સતત જનસંપર્ક, સ્થાનિક પ્રશ્નોની સમજ અને સક્રિય કાર્યકર્તાઓનું નેટવર્ક જરૂરી છે.

રાહુલ ગાંધી ગુજરાતમાં લાંબો સમય રોકાઈને ૨૦૨૭ની તૈયારીઓની સમીક્ષા કરશે તેવી ચર્ચા વચ્ચે કોંગ્રેસ માટે સૌથી મોટો સવાલ એ છે કે અગાઉના વચનોનું શું થયું? દરેક વિધાનસભાની મુલાકાત, સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ અને તેમના ઘરે રાત્રિ રોકાણ જેવા સંકલ્પો જો વ્યાપક રીતે અમલમાં આવ્યા ન હોય તો નવા વચનો કરતાં જૂના વચનોનું મૂલ્યાંકન વધુ જરૂરી બની જાય છે.

કોંગ્રેસની બીજી મોટી સમસ્યા આંતરિક સંગઠનની છે. પ્રદેશ બોડી લાંબા સમયથી અધૂરી હોવાની ચર્ચા, જૂથવાદ, નવા ચહેરાઓને પૂરતી તક ન મળવાનો આક્ષેપ અને કેટલાક જિલ્લા-શહેર સંગઠનોની નિષ્ક્રિયતા જેવા મુદ્દો અસંતોષ પેદા કરી શકે છે. પક્ષે હવે પદ આપવાની પરંપરાગત પદ્ધતિ કરતાં કામગીરી આધારિત સંગઠન ઊભું કરવાની જરૂર છે.

બહારના પ્રભારીઓ સામે પણ સ્થાનિક રાજકારણની સમજનો સવાલ ઊભો થાય છે. ગુજરાતના દરેક મતવિસ્તારની પોતાની સામાજિક રચના, સ્થાનિક નેતૃત્વ અને રાજકીય ગણિત હોય છે. આ બાબતોને માત્ર થોડા દિવસની મુલાકાતથી સમજવી મુશ્કેલ છે. તેથી પ્રભારીઓની સાથે સ્થાનિક સ્તરે જવાબદારી ધરાવતા અનુભવી અને વિશ્વસનીય નેતાઓનું મજબૂત નેટવર્ક ઊભું કરવું જરૂરી છે.

યુવા સંગઠનોમાં પણ જૂથવાદના બદલે ક્ષમતા અને કામગીરીને પ્રાથમિકતા આપવાનો સમય આવી ગયો છે. NSUI અને યુથ કોંગ્રેસમાં આ યુવાનો આગળ આવવા જોઈએ જે મેદાનમાં કામ કરે, લોકો સાથે જોડાય અને સંગઠન ઊભું કરવાની ક્ષમતા ધરાવે. કોંગ્રેસ માટે નવી પેઢી માત્ર સૂત્ર નહીં, સંગઠનની વાસ્તવિક તાકાત બનવી જોઈએ.

સૌથી મહત્વનું કામ સંભવિત ઉમેદવારોની પસંદગીનું છે. ૨૦૨૭ની ચૂંટણીના થોડા મહિના પહેલાં ઉમેદવારો શોધવાની જગ્યાએ અત્યારથી જ દરેક વિધાનસભા બેઠક પર સંભવિત ચહેરાઓની તપાસ થવી જોઈએ. જનસંપર્ક, સ્થાનિક સ્વીકાર્યતા, સંગઠન ઊભું કરવાની ક્ષમતા અને ચૂંટણી લડવાની તૈયારી જેવા માપદંડો નક્કી કરીને લાંબી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો ટિકિટ વિતરણ સમયે ઉભા થતા વિવાદો ઘટાડી શકાય.

કોંગ્રેસે એ પણ નક્કી કરવું પડશે કે તેને માત્ર ભાજપ વિરોધી વાતાવરણ ઊભું કરવું છે કે પોતાનો સકારાત્મક વિકલ્પ રજૂ કરવો છે. ગુજરાતના મતદારો સામે શિક્ષણ, રોજગાર, ખેતી, ઉદ્યોગ, શહેરી સુવિધાઓ અને સ્થાનિક વિકાસ જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ નીતિ અને વિશ્વસનીય નેતૃત્વ રજૂ કરવું પડશે. ૨૦૨૭ કોંગ્રેસ માટે મોટી તક છે, પરંતુ તક અને પરિણામ વચ્ચે સંગઠનનો પુલ બનાવવો પડશે. પક્ષે હવે “કોણ કટલું કામ કરે છે?” એવો સવાલ પૂછવો જોઈએ.

રાહુલ ગાંધી ગુજરાતમાં કેટલો સમય રોકાય છે તે કરતાં વધુ મહત્વનું એ રહેશે કે તેઓ ગુજરાત કોંગ્રેસના સંગઠનને કેટલું સમય આપે છે અને હાઈકમાન્ડના નિર્ણયો કેટલા ઝડપથી જમીન પર અમલમાં આવે છે.

કોંગ્રેસે હવે તાલીમ શિબિરો કરતાં આગળ વધીને દરેક વિધાનસભા માટે ગ્રાઉન્ડ એક્શન પ્લાન બનાવવો પડશે. ૨૦૨૭માં ભાજપને હરાવવાનો દાવો કરવો સરળ છે; પરંતુ તે દાવને મતમાં અને મતને બેઠકોમાં ફેરવવા માટે કોંગ્રેસે આજે જ પોતાના સંગઠનનું ઓપરેશન શરૂ કરવું પડશે. સમય કોંગ્રેસ પાસે છે, પરંતુ હવે સમય વેડફવાનો અવકાશ નથી.