Loading Please Wait !!!
દિલ્હીના રસ્તાઓ સાક્ષી છે લોહીથી રંગાયેલા માથા, દંડાના નિશાનોથી ભરેલી પીઠો: શું આ છે લોકશાહી?

યુવાનો પોતાના હકો માટે, પોતાના ભવિષ્ય માટે રસ્તા પર ઉતરે અને જવાબમાં શું મળે લાઠી, કેસ અને ધમકીઓ!

શું આ સવાલ પૂછવો હવે દેશદ્રોહ ગણાય? શું પોતાના હકો માટે ઉભા રહેવું ગુનો બની ગયું છે?

યુવાનોને મારવાથી પ્રશ્નો મરી જતા નથી એ વધુ ઉગ્ર બનીને પાછા આવે છે...

(જન કી બાત - અનિરુદ્ધ નકુંમ)

લોકશાહીનો પાઠ આપણને બાળપણથી ભણાવવામાં આવ્યો છે. “જનતા સર્વોપરી છે.” પરંતુ આજે હકીકત એ છે કે જનતાનો અવાજ સત્તાવાળાઓ માટે માત્ર ઘોંઘાટ બની ગયો છે. સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ ખુરશી મળતા જ બધાને એક જ રોગ લાગી જાય છે. પ્રશ્નોથી કરવાનો રોગ.

ચૂંટણી પહેલાં યુવાનો દેશનું ભવિષ્ય લાગે છે, અને ચૂંટણી પછી એ જ યુવાનો મુશ્કેલી બની જાય છે! શું આ છે લોકશાહી? યુવાનો પોતાના હકો માટે, પોતાના ભવિષ્ય માટે રસ્તા પર ઉતરે અને જવાબમાં શું મળે? લાઠી, કેસ અને ધમકીઓ!

દિલ્હી અને મુંબઈના રસ્તાઓ આજે સાક્ષી છે લોહીથી રંગાયેલા માથા, દંડાના નિશાનોથી ભરેલી પીઠો... શું આ છે આપણા દેશની પ્રગતિ? શું સવાલ પૂછવો હવે દેશद्रोह ગણાય? શું પોતાના હકો માટે ઉભા રહેવું ગુનો બની ગયું છે? આ યુવાનો હવે ડરતા નથી.

એ ડર તૂટી ગયો છે, એ ડર કે સત્ય બોલવાથી દબાવી દેવાશે, એ ડર કે સમાજ અને ધર્મના નામે તેમને ચૂપ કરાવી દેવાશે. હવે તેઓ ખુલ્લેઆમ પૂછે છે અને આ સવાલો સત્તાને ચુબે છે. પોલીસને પણ એક સવાલ છે કે, તમે પણ કોઈના દીકરા-દીકરી છો. શું ક્યારેય વિચાર્યું છે કે આ જ લાઠી તમાયા પોતાના સંતાન પર પડે તો? શું તમે એ દ્રશ્ય સહન કરી શકશો? જો જવાબ ના છે, તો પછી આ ક્રૂરતા શા માટે? શાંતિપૂર્ણ વિરોધ લોકશાહીનો આધાર છે, અને તેને દબાવવું લોકશાહીનું અપમાન છે. યુવાનોને મારવાથી પ્રશ્નો મરી જતા નથી એ વધુ ઉગ્ર બનીને પાછા આવે છે. આજે સમય છે સ્પષ્ટ વાત કરવાનો, જનતાનો અવાજ દબાવી શકાય નહીં. ડરાવી શકાય નહીં. અને રોકી પણ શકાય નહીં. જો પોતાના હકો માટે ઉભા રહેવું ગુનો છે તો પછી આ લોકશાહી નથી, માત્ર એક ભ્રમ છે. તો કહો, આ જ તો છે લોકશાહી?

પોલીસને પણ અનેક સવાલ છે: તમે પણ કોઈના દીકરા-દીકરીના પિતા છો આ જ લાઠી તમારા સંતાન પર પડે તો? શું તમે દ્રશ્ય સહન કરી શકશો? જો જવાબ ‘ના’ છે તો પછી આ ક્રૂરતા શા માટે?