Loading Please Wait !!!
‘રંગીલું રાજકોટ’ હવે ‘અસુરક્ષિત રાજકોટ’ પોલીસનો ડર ખતમ; ગુંડારાજ શરૂ?

પોલીસ અને ગુનેગારોની ‘દોસ્તી’ ક્રાઈમ રેટ વધવાનું કારણ?

જાહેરમાં હથિયારો, મારામારી: પોલીસ નિષ્ફળ પોલીસે શું કર્યું....

  • જન કી બાત - અનિરુદ્ધ નકુમ

રાજકોટ જે શહેર ક્યારેક શાંતિ અને સંસ્કાર માટે ઓળખાતું હતું, આજે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરમાં એવું લાગી રહ્યું છે કે પોલીસનો ખૌફ હવે ગુનેગારો માટે રહ્યો જ નથી. જાહેરમાં હથિયારો સાથે ફરી રહ્યા છે, રસ્તાઓ પર મારામારી થાય છે, દારૂ ખુલ્લેઆમ પીવામાં આવે છે અને આ બધું સોશિયલ મીડિયામાં વાયરલ થયા છતાં પોલીસની કાર્યવાહી ક્યાં છે?

છેલ્લા એક મહિના સામે આવેલી ઘટનાઓ ચોંકાવનારી છે. ભીમનગરમાં નિવૃત પોલીસકર્મી દ્વારા હથિયારો સાથે ગાળા-ગાળીનો વીડિયો સામે આવ્યો, અરજી પણ થઈ પરંતુ હજુ સુધી કોઈ કડક પગલાં નથી. બીજા વીડિયોમાં લુખ્ખા તત્વો એક યુવક પર જાહેરમાં તૂટી પડે છે. અન્ય એક દ્રશ્યમાં રોડ પર ખુલ્લેઆમ દારૂ ગટગટાવે છે. આ બધું શહેરના મધ્યમાં થાય છે અને પોલીસ મૌન રહે છે. આ ચિંતાનો વિષય નથી તો શું છે?

સૌથી ગંભીર ઘટના બુધવારની રાતે બની, જ્યાં TRP ગેમ ઝોન નજીક માત્ર બુલેટ ચલાવવાના મામલે એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી. શું આ રાજકોટ છે કે કોઈ ગુનેગારોનું મેદાન? આવી ઘટનાઓ બાદ પણ પોલીસની નીતિ અને કામગીરી પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે.

પોલીસનો દાવો છે કે નાઈટ પેટ્રોલિંગ થાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે પેટ્રોલિંગ માત્ર નિર્દોષ લોકોને રોકીને ચેક કરવા માટે જ છે? શહેરમાં જ્યાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, ત્યાં તપાસ કેમ નથી થતી? શું અરજી અને ફરિયાદો ફક્ત કાગળ પૂરતી જ રહી ગઈ છે?

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે રૂપિયાની તાકાતે ઘણા કેસોમાં કાર્યવાહી અટકાવવામાં આવે છે. જો આ સત્ય છે, તો તે વધુ ચિંતાજનક છે. કારણ કે જ્યારે કાયદાનો અમલ પૈસાથી પ્રભાવિત થવા લાગે, ત્યારે ગુનેગારોને ખુલ્લું મેદાન મળી જાય છે.

જો પોલીસ અને ગુનેગારો વચ્ચેની દોસ્તીની ધારણા લોકોમાં મજબૂત બનશે, તો તેનો સીધો અર્થ છે કે શહેરનો ક્રાઈમ રેટ વધતો જ જશે. કાયદાનો ડર જ ગુનાઓને અટકાવે છે અને જો એ જ ખતમ થઈ જાય, તો પરિસ્થિતિ બેકાબુ બનવામાં સમય લાગશે નહીં.

હવે સમય આવી ગયો છે કે રાજકોટ પોલીસ આત્મમંથન કરે. માત્ર દેખાવ માટેની કામગીરી નહીં, પરંતુ જમીન સ્તરે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી જરૂરી છે. નહીં તો રંગીલું રાજકોટ હવે અસુરક્ષિત રાજકોટ તરીકે ઓળખાવા માંડશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર પર રહેશે.

પોલીસનો દાવો નાઈટ પેટ્રોલિંગ થાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે પેટ્રોલિંગ માત્ર નિર્દોષ લોકોને રોકીને ચેક કરવા માટે જ છે? શહેરમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે ત્યાં તપાસ કેમ નથી?