મહારાષ્ટ્રમાં મરાઠી નહીં બોલનાર ઓટો-ટેક્સી નહીં ચલાવી શકે
- ટ્રાન્સપોર્ટ મંત્રીએ કહ્યું પહેલા નોટિસ અપાશે
- 3 મહિનામાં મરાઠી નહીં શીખે તો લાયસન્સ રદ કરવામાં આવશે
સિટી ન્યૂઝ@મહારાષ્ટ્ર
જે ડ્રાઈવરો મરાઠી ભાષા જાણતા નથી તેઓ હવે મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચલાવી શકશે નહીં. રાજ્ય સરકાર ૨૦ ઓગસ્ટથી એવા ઓટો-રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો સામે અભિયાન શરૂ કરી રહી છે, જેની પાસે મરાઠીનું 'વર્કિંગ નોલેજ' નથી.પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે બુધવારે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ડ્રાઈવરોને પહેલા નોટિસ આપીને ૩ મહિનામાં મરાઠી શીખવાની તક આપવામાં આવશે. આ પછી પણ મરાઠી ન શીખવા પર લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ અભિયાન આખા રાજ્યમાં એક મહિના સુધી ચાલશે. આ અભિયાનની જવાબદારી અધિક પરિવહન આયુક્ત રવિ ગાયકવાડને સોંપવામાં આવી છે. RTOની ફ્લાઈંગ સ્કવોડ રાજ્યભરમાં ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની તપાસ કરશે. અધિકારીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. ડ્રાઈવરોની મરાઠીની તપાસ અને વેરીફિકેશનની વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.સરકારના મતે, મહારાષ્ટ્રમાં લગભગ ૬ લાખ ઓટો-રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો છે, ખાસ કરીને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો કામ કરી છે. સરકાર આ બધાને મરાઠી શીખવાની પહેલ સાથે જોડવા માંગે છે. થોડા મહિના પહેલા શરૂ કરાયેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૧ લાખ ૫૫ હજાર ૬૦૧ ડ્રાઈવરો જોડાઈ ચૂક્યા છે. સરકારના મતે, મરાઠી ભાષા વિભાગ હવે પરિવહન વિભાગ અને અન્ય અધિકારીઓ સાથે મળીને આ અભિયાનને આગળ વધારશે.