લોધિકા સંઘની ચૂંટણીમાં હાઈકમાન્ડનાં હન્ટરથી જૂથબંધીનો ખેલ ખતમ કરવાનો ‘ગેમપ્લાન’ !
- સૈયાણી-ઢાકેચા વચ્ચે રેસ પણ બાજુ હાઈકમાન્ડના હાથમાં !
રા.લો. સંઘની ચૂંટણીમાં ‘ગેમ’ ગાંધીનગરથી નક્કી થશે, સ્થાનિક નેતાઓની કસોટી
-
2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ જૂથવાદને તાળું મારવા હાઈકમાન્ડ સક્રિય
જન કી બાત @ અનિરુદ્ધ નકુમ
રાજકોટ-લોધિકા સહકારી સંઘની ૮ સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. માત્ર બે તાલુકા પૂરતો મર્યાદિત આ સહકારી સંઘ હવે ભાજપની આંતરિક રાજકીય સમીકરણો માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યો છે. ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય નેતાઓ સક્રિય થયા છે, પરંતુ આ વખતે સૌથી વધુ ચર્ચા ભાજપના હાઈકમાન્ડના વલણની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણીમાં માત્ર જૂથબંધી કે વ્યક્તિગત સમીકરણોને આધારે નિર્ણય નહીં લેવાય. પક્ષના મેન્ડેટને પ્રાથમિકતા આપવામાં આવશે અને સંભવિત ઉમેદવારોની કામગીરીનું મૂલ્યાંકન કર્યા બાદ નામો નક્કી કરવાની કવાયત હાથ ધરાશે. એટલે કે, મોવડીમંડળનો ઇશારો નહીં, તેને પક્ષનું સમર્થન નહીં એવો સંદેશ સ્પષ્ટ રીતે આપવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે.રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી જૂથબંધીને કાબુમાં લેવા માટે પણ ભાજપે ચૂંટણી પહેલાંથી જ કમર કસી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ચેરમેનપદ માટે નિરીક્ષકોની ટીમો દ્વારા સંભવિત દાવેદારો અને ચૂંટણીની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર પ્રક્રિયા પર પ્રદેશ સ્તરે નજર રાખવામાં આવશે તેવો દાવો પણ સૂત્રો કરી રહ્યા છે.
ચેરમેનપદ માટે સહકારી ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કરેલી કામગીરીને મહત્વનું માપદંડ બનાવવામાં આવી શકે છે. ભૂતકાળની કામગીરી, સંગઠન સાથેનો સમન્વય અને સહકારી ક્ષેત્રમાં સ્વીકાર્યતા જેવા મુદ્દાઓ પણ ઉમેદવારની પસંદગીમાં નિર્ણાયક બની શકે છે. આમ, માત્ર જૂથના સમર્થનથી ચેરમેનપદની દાવેદારી મજબૂત બની જશે એવું આ વખતે દેખાતું નથી.હાલની રાજકીય ચર્ચામાં અર્જિંવદ રૈયાણીનું નામ ચેરમેનપદની રેસમાં આગળ હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ નીતિન ઢાંકિયા સહિતના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. બાબુભાઈ નસીહત સહિત અન્ય નેતાઓના સમીકરણો પણ ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે છે. જોકે અંતિમ નિર્ણય હાઈકમાન્ડના હાથમાં હોવાથી અત્યારથી કોઈ એક નામને નિશ્ચિત માનવું વહેલું ગણાશે.
લોધિકા સંઘની ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી રહી નથી. તે રાજકોટ ભાજપમાં ચાલી રહેલી જૂથબંધી, નેતૃત્વની પસંદગી અને હાઈકમાન્ડની પકડની પણ કસોટી બની છે. જો ભાજપ મોવડીમંડળ ખરેખર જૂથવાદથી ઉપર ઊઠીને કામગીરી અને સહકારી ક્ષેત્રમાં સ્વીકાર્યતાને માપદંડ બનાવે, તો આ ચૂંટણી રાજકોટના સહકારી રાજકારણમાં નવી દિશા નક્કી કરી શકે છે.
આથી હવે સૌથી મોટો સવાલ એ નથી કે ક્યા જૂથનો ઉમેદવાર મજબૂત છે, પરંતુ એ છે કે હાઈકમાન્ડ કોના નામ પર મોहर मारे છે. ૮ સપ્ટેમ્બરની ચૂંટણી પહેલાં આ નિર્ણય જ રાજકોટના સહકારી રાજકારણમાં સૌથી મોટું રાજકીય સસ્પેન્સ બની રહેવાનું છે.