Loading Please Wait !!!
રામના નામે રાજકારણ કે સાચી શ્રદ્ધા: અયોધ્યા મુદ્દે નેતાઓ મૌન કેમ ?

  • રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટમાં નેતાઓએ દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો
  • રાજકોટમાં પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી પ્રસંગે મીઠાઈઓ વહેંચાઈ, કાર્યક્રમો યોજ્યા, રાજકીય નેતાઓ આગળ રહી જય શ્રી રામના નારા લગાવ્યા પણ અયોધ્યામાં ચોરી ત્યારે કેમ બોલતા નથી !
  •  નેતાઓએ નક્કી કરવું પડશે કે તેઓ માત્ર પ્રસંગોપાત ભક્તિ બતાવશે કે સાચા અર્થમાં રામના આદર્શોને અનુસરશે

 

  • ~~જન કી બાત~~ દિલ કી બાત | અનિરૂદ્ધ નકુમ

રામના નામે રાજકારણ કે સાચી શ્રદ્ધા? અયોધ્યા મુદ્દે મૌન કેમ અને રાજકોટના નેતાઓ ક્યાં છે? અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા દાન અને પારદર્શિતાના મુદ્દે ઉઠેલા પ્રશ્નો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. વિવિધ સ્તરે આક્ષેપો અને શંકાઓ સામે આવી રહી છે, પરંતુ સૌથી ચોંકાવનારું છે મૌન. આ મૌન માત્ર સામાન્ય લોકોનું નથી, પરંતુ તે નેતાઓનું પણ છે, જે રોજબરોજ નાના મુદ્દાઓ પર પણ પ્રેસ નોટ મોકલવામાં આગળ હોય છે.

જ્યારે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર દેશમાં દિવાળીસમાન માહોલ સર્જાયો હતો, ત્યારે દરેક વર્ગના લોકો આગળ આવ્યા હતા. રાજકોટ સહિતના શહેરોમાં મોટા પાયે ઉજવણી થઈ, મીઠાઈઓ વહેંચાઈ, કાર્યક્રમો યોજાયા અને રાજકીય આગેવાનો પણ આગળ રહીને પોતાની હાજરી નોંધાવતા હતા. તે સમય શ્રદ્ધા અને ભાવનાનો હતો. પરંતુ આજે, જ્યારે મંદિર સાથે જોડાયેલા દાનના મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે, ત્યારે એ જ નેતાઓ ક્યાં છે? સામાન્ય બાબતો માટે પ્રેસ નોટ મોકલતા રાજકોટના ઘણા નેતાઓ આજે ચૂપ કેમ છે? શું આ મૌન માત્ર રાજકીય સુવિધા માટે છે? કે પછી સત્ય સામે આવવાથી કોઈ ડર છે?

સમાજમાં ચર્ચા એ પણ છે કે શું આ બધું માત્ર મત મેળવવા માટેનું પ્રદર્શન હતું? શું ભગવાન રામના નામનો ઉપયોગ રાજકીય લાભ માટે થયો? આવા પ્રશ્નો હવે ખુલ્લેઆમ પૂછાઈ રહ્યા છે. ભગવાન રામ કોઈ એક પક્ષ કે વિચારધારાના નથી તેઓ સમગ્ર સમાજના આસ્થાનું પ્રતિક છે. તેથી તેમના નામે જોડાયેલા દરેક કાર્યમાં પારદર્શિતા હોવી જ જોઈએ. જો આક્ષેપો ખોટા હોય, તો સ્પષ્ટતા કરવી જોઈએ. જો ગેરરીતિ થઈ હોય, તો નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પરંતુ મૌનથી માત્ર શંકા વધે છે. મૌનથી વિશ્વાસ તૂટે છે. અને સૌથી મોટી વાત મૌનથી શ્રદ્ધા પર પ્રશ્નાર્થચિહ્ન ઊભું થાય છે.

આજનો સમય સત્ય બોલવાનો છે, જવાબદારી લેવાનો છે. નેતાઓએ નક્કી કરવું પડશે કે તેઓ માત્ર પ્રસંગોપાત શ્રદ્ધા બતાવશે કે સાચા અર્થમાં રામના આદર્શો સત્ય અને ન્યાય ને અનુસરશે. અંતે પ્રશ્ન એક જ છે: શું રામના નામે રાજકારણ થશે કે રામના આદર્શો મુજબ પારદર્શિતા?

ભગવાન રામ કોઈ રાજકીય લાભ માટેનું સાધન નથી તેઓ સત્ય, ન્યાય અને આદર્શોના પ્રતિક છે તેથી તેમના નામે જોડાયેલા દરેક કાર્યમાં જવાબદારી અને પારદર્શિતા અનિવાર્ય છે