જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું ‘નશા’ના આક્ષેપો ખોટા; હિતશત્રુઓની ચાલ !
સણમાં કંઈ બન્યું જ નથી: મને બદનામ કરવાનો પ્રયાસ: પ્રમુખ
હું રાજકીય રીતે આગળ વધું એ અમુક રાજકીય લોકોને ગમતું નથી એટલે ષડયંત્ર રચ્યા કરે
-
સંજય પીપળિયાએ આગળ આવી તમામ આક્ષેપોને તથ્યવિહોણા ગણાવી સ્પષ્ટતા કરી
-
પ્રમુખ સંજય પીપળિયાએ કહ્યું હું પરિવાર સાથે ગયો હતો 350 આગેવાનો પણ હાજર હતા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લામાં ભાજપના પ્રશિક્ષણ વર્ગ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયા નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. આ મામલે હવે પોતે સંજય પીપળિયાએ આગળ આવી તમામ આક્ષેપોને તથ્યવિહોણા ગણાવી સ્પષ્ટતા કરી છે.
સંજોગો મુજબ, ભાજપના પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સાસણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંજય પીપળિયા નશામાં હતા તેવી ચર્ચાઓ ઉઠી હતી. જોકે, આ દાવાઓ સામે તેમણે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “મારા પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા અને બિનઆધારભૂત છે. આ મારા હિતશત્રુઓ દ્વારા મને નુકસાન પહોંચાડવા માટે રચાયેલ કાવતરું હોઈ શકે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “સાસણમાં આવી કોઈ ઘટના બની જ નથી. આ કાર્યક્રમમાં ભાજપના ૩૫૦થી વધુ કાર્યકરો હાજર હતા અને હું મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો. મારા વિરોધીઓ દ્વારા ખોટી સ્ટોરી ઉભી કરીને મારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.” આ મામલે આગળની કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે, “અમે આ સમગ્ર ઘટનાને લઈને કાનૂની સલાહ લઈ રહ્યા છીએ અને ત્યારબાદ શું પગલાં લેવા તે અંગે નિર્ણય લેવામાં આવશે.”