Loading Please Wait !!!
પ્રજા શાકભાજી ખરીદે એમ મહાપાલિકા લાખોના બિલ મૂકે!

  • લાખોની લૂંટનો લાઈવ શો પ્રજા પૈસે પાર્ટી, જંગલેશ્વર ડિમોલિશન બન્યું લાખોની લૂંટનું મેદાન
  • લાખોના બિલનો બેકાબૂ ધંધો: મહાનગરપાલિકા કે મની મશીન? લાખોના બિલથી રાજકોટ હચમચ્યું?

જન કી બાત | અનિરૂદ્ધ નકુમ

રાજકોટ મહાપાલિકા આજે જાણે પ્રજાના ટેક્સના પૈસાને પોતાનો ખાનગી ખજાનો સમજીને ખર્ચી રહી હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી રહી છે. જંગલેશ્વર ડિમોલિશન પ્રકરણ એક પછી એક એવા ખુલાસા કરી રહ્યું છે કે સામાન્ય નાગરિકના મનમાં ગુસ્સો ઉઠે તે સ્વાભાવિક છે. સૌપ્રથમ ત્રણ દિવસના લીંબુ પાણી અને કાજુ કતરીના નાસ્તે ૨૭ લાખનું બિલ! ત્યારબાદ પાણી માટે ૧૨ લાખ અને મંડપ માટે ૫ લાખનો ખર્ચ! હવે તો હદ જ થઈ ગઈ ડ્રોન કેમેરા અને ફોટોગ્રાફી માટે સીધા ૨૨ લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે, શું મહાપાલિકા કોઈ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની છે કે પછી જાહેર સંસ્થા? સામાન્ય માણસ શાકભાજી ખરીદે તેમ અહીં અધિકારીઓ દરરોજ સવાર પડે ને લાખોના બિલ મૂકી રહ્યા છે. જાણે બજારમાંથી શાકભાજી ખરીદતા હોય તેવી સહજતાથી કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. પરંતુ આ રૂપિયા વ્યક્તિગત નથી

આ પ્રજાના ખૂન-પસીનાની કમાણી છે, જે ટેક્સ રૂપે સરકારને ચૂકવવામાં આવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં પણ ખાનગી ખર્ચ દર્શાવવામાં આવી રહ્યો છે. શું આ ખર્ચ વાજબી છે? કે પછી આ પાછળ ગેરરીતિઓ અને સેટિંગનો મોટો ખેલ ચાલી રહ્યો છે? એક પછી એક સામે આવતા બિલો માત્ર ખર્ચ નહીં, પરંતુ સિસ્ટમમાં ઘૂસી ગયેલી બેદરકારી અને બેફામ વલણનો પુરાવો છે. આજે સવાલ માત્ર ૨૭ લાખ, ૧૨ લાખ કે ૨૨ લાખનો નથી. સવાલ છે પારદર્શિતા અને જવાબદારીનો. જો એક જ પ્રકરણમાં આટલો ખર્ચ દર્શાવવામાં આવે છે, તો વર્ષો દરમિયાન કેટલા કરોડો રૂપિયા આવી રીતે વપરાઈ ગયા હશે?

રાજકોટની પ્રજાને હવે જાગવું પડશે. વિપક્ષ, સામાજિક સંગઠનો અને જાગૃત નાગરિકોએ આ મુદ્દે સખત અવાજ ઉઠાવવો પડશે. આ સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ અનિવાર્ય છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ લાખોની લૂંટ બંધ થવાની નથી. પ્રશ્ન સીધો છે. પ્રજાના પૈસા પર આ તાગડધિન્ના કેટલા સમય સુધી ચાલશે?

આજે સવાલ માત્ર 27 લાખ, 12 લાખ કે 22 લાખનો નથી સવાલ છે પારદર્શિતા અને જવાબદારીનો, જો એક પ્રકરણમાં આટલો ખર્ચ દર્શાવવામાં આવે છે તો વર્ષો દરમિયાન કેટલા કરોડ રૂપિયા આવી રીતે વપરાઈ ગયા હશે ?