બાબા તમને શેનો ડર; દેશહિતમાં પરચી ખોલો !
- બાબા બાગેશ્વરે કહ્યું, મે પરચી ખોલી નામ જણાવી દીધું તો મને પતાવી દેશે
- બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી તમે રામમંદિરના આરોપીના નામ ઉજાગર ન કરી શકો તો મૌન રહેવું દેશદ્રોહ સમાન ગણાશે કારણ કે મૌન રહેવું એ દોષિતોને બચાવવાનું કામ કરે છે
- દેશને એવા લોકો જોઈએ છે જે નિર્ભય બનીને સત્યને જાહેર કરે જો બાબા બાગેશ્વર ખરેખર પોતાને સત્યના પક્ષમાં ગણે છે તો હવે સમય આવી ગયો છે પરચી ખોલો, નામ જણાવો અને દેશને નાટક નહીં સત્ય આપો
- જન કી બાત અનિરુદ્ધ નકુમ
રામ મંદિર ચોરી કેસમાં બાબા બાગેશ્વર દ્વારા કરાયેલું નિવેદન ‘મેં પરચી ખોલી નામ જણાવી દીધું તો મને પતાવી દેશે’ માત્ર એક વ્યક્તિનો ડર નથી, પરંતુ દેશની વ્યવસ્થા સામે ઉઠતા ગંભીર પ્રશ્નોનું પ્રતિબિંબ છે. જ્યારે તેઓ કહે છે કે ‘મગર નીકળી જાય છે અને નાની માછલી ફસાઈ જાય છે’, ત્યારે આ શબ્દો સિસ્ટમની અસમાનતા અને ન્યાયની નબળાઈને ચીંધે છે.
પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ પાસે સત્ય છે, તો શું તે માત્ર પોતાના ડર માટે તેને દબાવી દે? દેશના હિતમાં, સત્યને બહાર લાવવું ફરજ ગણાય. જો ખરેખર બાબા પાસે એવી માહિતી છે જે મોટા આરોપીઓને ઉજાગર કરી શકે, તો તેઓએ મૌન રહેવું દેશદ્રોહ સમાન ગણાશે. કારણ કે મૌન રહેવું એ દોષિતોને બચાવવાનું કામ કરે છે. આવો સમય છે જ્યારે સમાજને હિંમત અને પારદર્શિતા જોઈએ. જો મોટા લોકો છૂટા ફરે અને નાના લોકો જ સજા ભોગવે, તો એ ન્યાય નથી પરંતુ અન્યાય છે. આ પરિસ્થિતિમાં બાબા બાગેશ્વરે “પરચી” ખોલવી જ જોઈએ માત્ર પોતાની સુરક્ષા માટે નહીં, પરંતુ દેશના ન્યાય અને વિશ્વાસને બચાવવા માટે.
હકીકતમાં, સત્ય બોલનારને ધમકીઓ મળે એ આપણા તંત્રની કમજોરી દર્શાવે છે. પરંતુ જો દરેક વ્યક્તિ ડરના કારણે ચુપ રહી જાય, તો ક્યારેય સત્ય બહાર નહીં આવે. દેશને એવા લોકોની જરૂર છે જે ડરને જીતે અને સત્ય માટે ઉભા રહે.
આથી, બાબા બાગેશ્વર માટે આ માત્ર વ્યક્તિગત નિર્ણય નથી આ દેશપ્રેમની કસોટી છે. જો તેઓ ખરેખર દેશના હિતની વાત કરે છે, તો હવે સમય છે કે તેઓ પરચી ખોલે અને સત્યને પ્રકાશમાં લાવે. નહિતર તેમની વાતો માત્ર ખાલી દાવા બની રહેશે, જે સમાજને ભ્રમિત કરે છે અને ન્યાયની પ્રક્રિયાને નબળી બનાવે છે.