રાજકોટમાં ‘હેલ્થ સ્કેમ’ ડોક્ટરો જ દવા કંપનીના માલિક?
ગ્રાઉન્ડ રિપોર્ટ: શહેરમાં દવાના નામે ચાલી રહ્યો છે જોખમી ખેલ
સાવધાન રાજકોટ: રાજકોટમાં ડોક્ટરો જ લખે છે પોતાની કંપનીની દવા
સિટી ન્યૂઝ@રાજકોટ
કોરોનાકાળ બાદ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ ચિંતિત બન્યા છે, પરંતુ બીજી તરફ સ્વાસ્થ્યના નામે કમાણી કરવાનો એક મોટો અને જોખમી ખેલ રાજકોટમાં શરૂ થઈ ગયો છે. ‘સિટી ન્યૂઝ’ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે જે જાણીને સામાન્ય જનતાના પગ નીચેથી જમીન સરકી જશે. મેડિકલ સ્ટોરમાં કમિશનની વાતો તો જૂની થઈ ગઈ, પણ હવે તો રાજકોટમાં ચાલતી મોટાભાગની લોકલ દવા કંપનીઓમાં ખુદ ડોક્ટરો જ પડદા પાછળ ‘ભાગીદાર’ હોવાની વિગતો સામે આવી રહી છે! સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોરોના મહામારી પછી રાજકોટમાં આવી લોકલ ફાર્માસ્યુટિકલ કંપનીઓનો જાણે રાફડો ફાટ્યો છે.
હાલમાં માત્ર રાજકોટમાં જ અંદાજે ૧૦૦થી વધુ લોકલ કંપનીઓ ધમધમી રહી છે. આ કંપનીઓ શરૂ કરવાની મોડસ ઓપરેન્ડી (પદ્ધતિ) એટલી સરળ અને ચોંકાવનારી છે કે કોઈ પણ માથું પંજવાળવા મજબૂર થઈ જાય. મહિના માત્ર ૬ થી ૭ હજાર રૂપિયા ખર્ચીને ૨૦૦ ફૂટની નાની દુકાન કે ઓફિસ ભાડે રાખવામાં આવે છે. આવી કંપનીઓ માટે કોઈ કડક નીતિ-નિયમ જ નથી! માત્ર એક ડ્રગ લાઈસન્સ મેળવીને ત્રીજી જ પાર્ટી (Third Party) પાસે દવાઓ બનાવડાવી, તેના પર પોતાનું લેબલ ચોંટાડીને આપનું નેટવર્ક ઊભું કરી દેવાય છે. દર્દીઓને છેતરવા માટે એક માસ્ટર પ્લાન ઘડાય છે. આ નવી શરૂ થતી કંપનીઓના ઓફિશિયલ એડ્રેસ (સરનામા) રાજકોટ બહાર રાખવામાં આવે છે, જેથી દર્દી કે સામાન્ય નાગરિકને ક્યારેય શંકા ન જાય કે આ કોઈ લોકલ કે ગલી-કૂચીની કંપનીની દવા છે! જે દવાઓ દર્દીને સાજો કરવા માટે હોય છે, તે દવાઓ જો માત્ર નફા હેતુથી અને ગુણવત્તાના કોઈ પણ ચોક્કસ માપદંડો વિના બનતી હોય, તો તે સીધી માનવ જિંદગી માટે ‘ઝેર’ સમાન સાબિત થઈ શકે છે.
ડોક્ટરો પોતે જ જો આવી કંપનીઓમાં ભાગીદાર હોય, તો સ્વાભાવિક છે કે તેઓ દર્દીને સાજો કરવાને બદલે પોતાની જ દવાઓ પ્રિસ્ક્રિપ્શનમાં લખવાના! આવી લોકલ દવાઓ આવનારા સમયમાં લોકોના સ્વાસ્થ્ય પર અત્યંત ગંભીર અને જીવલેણ આડઅસરો ઊભી કરી શકે છે.
સિટી ન્યૂઝનો જનતા અને તંત્રને સીધો સવાલ
ડોક્ટર જ્યારે કોઈ અજાણી કે મોંઘી બ્રાન્ડની દવા લખે, ત્યારે સવાલ પૂછો. હંમેશા જેનરિક અથવા સ્ટાન્ડર્ડ અને પ્રતિષ્ઠિત કંપનીઓની દવાઓનો આગ્રહ રાખો. તમારી જાગૃતિ જ ફાર્મા માફિયાઓનો ખેલ ખતમ કરી શકે છે. ડ્રગ વિભાગ અને આરોગ્ય તંત્ર માત્ર કાગળ પર ડ્રગ લાઈસન્સ આપીને કેમ સંતોષ માની રહ્યું છે? આવી ૨૦૦ ફૂટની ઓફિસોમાં ચાલતી કંપનીઓની દવાનું ક્વોલિટી ચેકિંગ કેમ નિયમિત નથી થતું? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?