Loading Please Wait !!!
ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું

 

  • >> વીજ પોલ અને વીજ લાઈનો માટે ખેડૂતોને માસિક ભાડું અને વળતરની માંગ

  • >> ખેડૂતોના હિતમાં નવો કાયદો બને ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવાની રજૂઆત

સીટી ન્યૂઝ@રાજકોટ

ખેડૂત આગેવાન અને ક્રાંતિ સંગઠનના અગ્રણી ભરતસિંહ ઝાલાએ ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય વીજ મંત્રાલયને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઈનોના કામ અંગે હાલ અમલમાં રહેલા નિયમોની સમીક્ષા કરીને ખેડૂતોને ન્યાયસંગત વળતર અને કાયદાકીય સુરક્ષા આપવાની માંગણી કરી છે.

ભરતસિંહ ઝાલાએ રજૂઆતમાં જણાવ્યું છે કે દેશના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોની સંમતિ વિના વીજ પોલ અને વીજ લાઈનો નાખવાની કામગીરી થતી હોવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે. ખેડૂતોની જમીનનો ઉપયોગ જાહેર હિતના પ્રોજેક્ટ માટે થતો હોવા છતાં તેમને પૂરતું વળતર કે નિયમિત આવક મળતી નથી.

આવેદનમાં તેમણે માંગ કરી છે કે ખેડૂતોના હિતમાં સ્પષ્ટ અને અસરકારક કાયદો ન બને ત્યાં સુધી ખેતીની જમીનમાં વીજ પોલ અને વીજ લાઈનો નાખવાની કામગીરી સ્થગિત કરવામાં આવે. સાથે જ જ્યાં વીજ પોલ સ્થાપિત કરવામાં આવે છે ત્યાં પ્રતિ પોલ માસિક ભાડું ચૂકવવાની અને વીજ લાઈનોથી આવરી લેવાયેલા વિસ્તારમાં પણ ખેડૂતોને નિયમિત વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવે.

તેઓએ વધુમાં જણાવ્યું કે વીજ કંપનીઓ ખેડૂતોની જમીનનો ઉપયોગ કરીને કામગીરી કરતી હોવાથી ખેડૂતોને પણ તેના લાભમાં ભાગીદાર બનાવવાની જરૂર છે.

ભરતસિંહ ઝાલાએ પોતાના આવેદનમાં ખેડૂતોના દેવા માફી, પાકોના વાજબી ભાવ, કૃષિ આયોગની રચના, ગ્રામ્ય વિકાસ માટે વધુ બજેટ, તાલુકા સ્તરે કૃષિ આધારિત ઉદ્યોગો, કૃષિ ઉત્પાદનોની આયાત પર નિયંત્રણ અને તમામ પાકોના ટેકાના ભાવમાં વધારો જેવી માંગણીઓ પણ સામેલ કરી છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયમી અને ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે, જેથી ખેડૂતોના અધિકારો અને હિતોનું રક્ષણ થઈ શકે.