ગંગાની લહેરો વચ્ચે નોન-વેજ, દારૂ મહેફિલ
વીડિયો વાયરલ થતાં 5 ની ધરપકડ
સિટી ન્યૂઝ@વારાણસી
પવિત્ર કાશીમાં ગંગા નદીની મધ્યમાં હોડી પર નોનવેજ અને બીયર-દારૂની પાર્ટી કરવાનો શરમજનક મામલો સામે આવ્યો છે. ૫ નાવિકો દ્વારા હોડીમાં ચિકન બનાવતા અને દારૂ-બીયર પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વારાણસી પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ૫ આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે વાયરલ થયેલા વીડિયોમાં ૫ નાવિકો ગંગાની લહેરો વચ્ચે હોડી પર ખુલ્લેઆમ ચિકન રાંધતા અને બીયર-દારૂ પીતા જોવા મળ્યા હતા.
આરોપીઓ પોતે જ આ કૃત્યનો વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયોમાં એક નાવિક બોલતો સંભળાય છે કે, "આ છેદીલાલ, દીપક અને હલવાઈ ભાઈ છે. પ્રદીપ ભાઈ ચિકન બનાવી રહ્યા છે અને બબલુ ભાઈ ડુંગળી કાપી રહ્યા છે. અમે પાર્ટી કરી રહ્યા છીએ. આ જુઓ અમારી બીયર છે." ત્યારબાદ બધા હોડીમાં નોનવેજની મહેફિલ માણતા જોવા મળે છે.
મંગળવારે દશાશ્વમેધ ચોકી પ્રભારીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે લોકેશન ટ્રેસ કરી ૫ આરોપીઓ- દીપક કુમાર, અજય સાહની, અરુણ કુમાર સાહની, અનુરાગ નિષાદ અને રાહુલ સાહનીની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે અને હોડી સીઝ કરી છે. દશાશ્વમેધના એસીપી ડો. અતુલ અંજન ત્રિપાઠીએ જણાવ્યું કે, પાંચેય આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ ૨૯૫ (ધાર્મિક ભાવનાઓ ભડકાવવી) અને કલમ ૨૯૯ (સામાજિક માહોલ બગાડવા) હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો સાબિત થશે, તો આરોપીઓને ૫ વર્ષ સુધીની આકરી સજા થઈ શકે છે.
અગાઉ ઈફ્તાર પાર્ટી યોજવામાં આવી હતી
અગાઉ ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ પણ ગંગા નદીમાં ૧ હોડી પર ઈફ્તાર પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં રોઝેદારોને ફળ અને મેવા સાથે ચિકન બિરયાની પણ પીરસવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રજત જયસ્વાલે ચિકન બિરયાનીના અવશેષો ગંગામાં ફેંકવાનો આરોપ લગાવી મુકદ્દમો નોંધાવ્યો હતો.