જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓ 700 કરોડના ગોટાળા
- ગમે ત્યારે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી ?
- PM સુધી રજૂઆતો બાદ વિના વિલંબે તપાસનો અહેવાલ સોંપવા અધિકારીઓને તાકીદ
- મંદિરના ટ્રસ્ટીઓને સરકારી જમીન પર ખાનગી ટ્રસ્ટ ચલાવી 700 કરોડનું કૌભાંડ કર્યાના આરોપો લાગ્યા હતા
- દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષકે પંચરોજ કામ કરી અરજદારનું નિવેદન લઈ લેવામાં આવ્યું : કડક કાર્યવાહીના આદેશથી નવાજૂનીના એંધાણ
- સિટી ન્યૂઝ@દ્વારકા
દ્વારકા પંથકનાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ લાંબા સમયથી વિરોધનાં સૂર ઉઠી રહ્યા છે. ધારાસભ્ય પબુભા માણેક સહિત આસપાસનાં ગામનાં સરપંચો દ્વારા મંદિરમાં થતા ગેરવહીવટ અંગે રજૂઆતો કરતા તત્કાલીન પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતા આખરે મંદિરમાંથી દુકાનો હટાવાઈ હતી. જે પછી ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા માટે ચેતનભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા રજૂઆતો થઈ હતી.જે નિર્ણાયક તબક્કે પહોંચી હોવાનુ જણાઈ રહ્યુ છે.
મંદિરનાં ટ્રસ્ટીઓએ સરકારી જમીન પર ખાનગી ટ્રસ્ટ ચલાવી ૭૦૦ કરોડનું કૌભાંડ કર્યુ હોવાનાં આરોપો સાથે ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે સ્થાનિક સ્તરેથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવતા આ પ્રકરણમાં ખળભળાટ થયો હતો.
તાજેતરમાં આ પ્રકરણમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા પંચરોજકામ કરી અરજદારનું પણ રૂબરૂ નિવેદન લેવામાં આવ્યું હતું. જે પછી આ પ્રકરણમાં વિના વિલંબે તપાસ રીપોર્ટ સોંપવા માટે કલેક્ટર દ્વારા પણ નાયબ પોલીસ અધિક્ષકને તાકીદ કરવામાં આવી છે જેને પગલે હવે આ પ્રકરણમાં નક્કર કાર્યવાહીની સંભાવનાઓને પગલે નવાજૂનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે.