CBSE ના પરિણામમાં મોટો ઉલટફેર, રાંચીની વિદ્યાર્થીનીને 500માંથી 500 ગુણ
- રિ-ઇવેલ્યુએશનમાં અવની કેજરીવાલના 24 માર્ક વધ્યા, અંગ્રેજીમાં 19 માર્કનો સીધો કૂદકો
- અંગ્રેજી અને બિઝનેસ સ્ટડીઝમાં ગુણ વધતા 500માંથી 500 નો ઐતિહાસિક સ્કોર
- રાંચીની અવનીને 500માંથી 500 માર્ક મળ્યા, બિઝનેસ મેનેજમેન્ટમાં બનાવવી છે કારકિર્દી
સિટી ન્યુઝ @ રાંચી
ઝારખંડના રાંચીની વિદ્યાર્થીની અવની કેજરીવાલે CBSE ધોરણ 12 ની રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. પ્રારંભિક પરિણામમાં અપેક્ષા કરતા ઓછા ગુણ મળ્યા બાદ અવનીએ હિંમત હાર્યા વિના રિ-ઇવેલ્યુએશન માટે અરજી કરી હતી. આ પ્રક્રિયા બાદ તેના કુલ 24 ગુણ વધ્યા છે અને હવે તેને 500 માંથી પૂરેપૂરા 500 ગુણ એટલે કે 100 ટકા માર્ક મળ્યા છે.
ધુર્વા સ્થિત DPS સેલ ટાઉનશિપ સ્કૂલની આ તેજસ્વી વિદ્યાર્થીનીને શરૂઆતમાં અંગ્રેજી વિષયમાં 19 અને બિઝનેસ સ્ટડીઝમાં 5 ગુણ ઓછા આપવામાં આવ્યા હતા. અંગ્રેજી તેનો સૌથી મજબૂત અને પ્રિય વિષય હોવાથી તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે ગુણ ચકાસણી કરાવી હતી. આ ઐતિહાસિક સફળતાનો શ્રેય તેણે બિઝનેસમેન પિતા મિતેશ કેજરીવાલ, ગૃહિણી માતા પૂનમ કેજરીવાલ અને માર્ગદર્શક શિક્ષકોને આપ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ તે શરૂઆતથી જ અભ્યાસ પ્રત્યે ખૂબ જ ગંભીર અને મહેનતુ રહી છે.
પોતાની શાનદાર સફળતા બાદ અવનીએ જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રમાં જ્વલંત કારકિર્દી બનાવવા ઇચ્છે છે અને આ માટે તેણે CUET UG 2026 ની પરીક્ષા પણ આપી દીધી છે. નોંધનીય છે કે આ વર્ષે CBSE બોર્ડ દ્વારા ધોરણ 12 ની ઉત્તરવહીઓની ચકાસણી માટે નવી ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી ભૂલો સામે આવતા અનેક વિદ્યાર્થીઓએ ગુણાંકન અંગે રજૂઆતો કરી હતી અને બોર્ડે રિ-ઇવેલ્યુએશનનો આશરો આપવો પડ્યો હતો.
ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ સામે ગંભીર સવાલો
CBSE દ્વારા અપનાવવામાં આવેલી નવી ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમની વિશ્વસનીયતા પર હવે મોટા સવાલો ઉભા થયા છે. એક જ વિદ્યાર્થીના એકસાથે 24 ગુણ વધવા તે કોઈ સામાન્ય ભૂલ નથી. આવી ગંભીર બેદરકારી હોશિયાર વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને તોડી શકે છે અને તેમનું ભવિષ્ય બગાડી શકે છે. બોર્ડે ભવિષ્યમાં આવી ખામીઓ નિવારવા માટે પેપર ચેકિંગ પ્રક્રિયાને વધુ સચોટ અને અત્યંત પારદર્શક બનાવવી જ રહી.