Loading Please Wait !!!
DEOએ બાળકોના નામ સાથેના લેટરો મોકલી દીધા; ધોળકિયા સ્કૂલનો ઈન્કાર

RTEનો ગોટાળો ઉઘાડો !

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી ધોળકિયા સ્કૂલમાં બાળકોની યાદી મોકલાઈ છતાં એડમિશન નથી આપતા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને લઈને ગંભીર ગોટાળો સામે આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આરટીઈ હેઠળ પસંદ થયેલા બાળકોની યાદી તૈયાર કરી તમામ શાળાઓને મોકલી આપવામાં આવી હોવા છતાં, કેટલીક ખાનગી શાળાઓ હજુ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ઈનકાર કરી રહી હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો છે.

ખાસ કરીને જી.કે. ધોળકિયા સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને જણાવવામાં આવી રહ્યું છે કે “અમને DEO કચેરી તરફથી કોઈ સૂચના મળી નથી.” બીજી તરફ, જ્યારે વાલીઓ DEO ઓફિસનો સંપર્ક કરે છે ત્યારે ત્યાંથી “જોઈ લઈશું” જેવા જવાબો મળી રહ્યા છે. આ ગૂંચવણ વચ્ચે છેલ્લા ૧૫ દિવસથી બાળકો શાળામાં જઈ શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે ૮ જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ છે, છતાં આરટીઈ હેઠળ પ્રવેશ પામેલા ઘણા નાના બાળકો હજુ સુધી શિક્ષણથી વંચિત છે. વાલીઓએ જણાવ્યું કે બાળકોમાં હવે ભયનું વાતાવરણ ઉભું થયું છે “અમને એડમિશન મળશે કે નહીં?” તેવી ચિંતા તેઓમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

વાલીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળાઓ દ્વારા તેમને વારંવાર ઓફિસોના ચક્કર ખવડાવવામાં આવી રહ્યા છે. “સ્કૂલ કહે DEO ઓફિસ જાવ અને DEO ઓફિસ કહે રાહ જુઓઆખરે અમે ક્યાં જઈએ?” એવો સવાલ વાલીઓ ઉઠાવી રહ્યા છે.

આ સમગ્ર મામલે રાજકોટના ધારાસભ્યોની ચુપકીદી પણ ચર્ચાનો વિષય બની છે. વાલીઓમાં રોષ છે કે શું નેતાઓ શાળા સંચાલકો સામે બોલવા ડરી રહ્યા છે કે પછી જાણીને અવગણના કરી રહ્યા છે?

આ વચ્ચે તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં નેતાઓએ માત્ર ફોટો સેશન કરીને ચાલતા પકડી હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. વાલીઓનું કહેવું છે કે શાળાઓની બેદરકારીનો સીધો પ્રભાવ નાના બાળકોના ભવિષ્ય પર પડી રહ્યો છે, પરંતુ જવાબદાર તંત્ર અને નેતાઓ આ મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા નથી. હાલ વાલીઓએ તાત્કાલિક દખલગીરી કરી બાળકોને ન્યાય અપાવવા સરકાર અને શિક્ષણ વિભાગ પાસે માંગ કરી છે.