Loading Please Wait !!!
ઈથેનોલ પેટ્રોલથી કાર અચાનક બંધ થવાની ફરિયાદો!

નવી મુસીબત : પેટ્રોલની ટાંકીમાં જામી રહી છે કાળી ફૂગ

ઈથેનોલ ફ્યુઅલથી ગાડીઓમાં ગડબડીનો દાવો કરનારા ઘણા વીડિયો શેર થઈ રહ્યા છે

માઈલેજ ઘટી અને સર્વિસિંગનો ખર્ચ ડબલ થયો

સીટી ન્યૂઝ@નવી દિલ્હી

દેશભરમાં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાના પ્રયાસો વચ્ચે હવે વાહનચાલકો માટે નવી ચિંતા ઊભી થઈ રહી છે. અનેક કાર અને બાઈક માલિકો ફરિયાદ કરી રહ્યા છે કે E20 ફ્યુઅલના ઉપયોગ બાદ વાહનોના માઈલેજમાં ઘટાડો, એન્જિન પર વધતો ભાર અને રિપેરિંગ ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂના મોડલના વાહનોમાં આ અસર વધુ ગંભીર હોવાનું મિકેનિકો જણાવી રહ્યા છે.

ઓટોમોબાઈલ માર્કેટમાં કામ કરતા નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઈથેનોલ ભેજને ઝડપથી શોષી લે છે. તેના કારણે પેટ્રોલ ટાંકી અને ફ્યુઅલ સિસ્ટમમાં કાની પરત અથવા ફૂગ જેવી સ્થિતિ સર્જાય છે. સેન્સર જેવા મહત્વના પાર્ટસમાં કાટ લાગવાથી સમસ્યા ઊભી થાય છે, જેના કારણે વાહનની કામગીરી પર સીધી અસર પડે છે.

કાર રિપેરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં ફ્યુઅલ સિસ્ટમ સંબંધિત ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણી કારોમાં ફ્યુઅલ પંપ સમય પહેલાં બગડી રહ્યા છે, જ્યારે કેટલીક ગાડીઓ રસ્તા પર ચાલતી વખતે અચાનક બંધ થઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. એન્જિનના ઈન્જેક્ટર, વાલ્વ અને અન્ય આંતરિક પાર્ટસ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.

નિષ્ણાતો જણાવે છે કે ઈથેનોલના કારણે રબર અને પ્લાસ્ટિકના કેટલાક પાર્ટસ ઝડપથી ખરાબ થઈ શકે છે. ખાસ કરીને E10 માટે ડિઝાઈન કરાયેલા જૂના વાહનોમાં સીલ, હોઝ અને ગેસ્કેટ જેવા ભાગોમાં ઘસારો વધતો જોવા મળી રહ્યો છે. પરિણામે વાહન માલિકોને વારંવાર સર્વિસિંગ કરાવવું પડે છે અને જાળવણી ખર્ચમાં વધારો થાય છે.

બાઈક માલિકો પણ સમાન પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સવારના સમયે કોલ્ડ સ્ટાર્ટમાં મુશ્કેલી, ફ્યુઅલ ટેન્કમાં ભેજ અને કાટ, થ્રોટલ બોડીમાં ખામી તેમજ માઈલેજમાં પછી ૭ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાય તો ફ્યુઅલ સિસ્ટમને વધુ નુકસાન થવાની શક્યતા રહે છે.

વાહન ઉદ્યોગના જાણકારોનું માનવું છે કે ઈથેનોલ આધારિત ફ્યુઅલ પર સંપૂર્ણપણે આધારિત થયા પહેલાં વાહનોની ટેક્નોલોજી અને ફ્યુઅલ સિસ્ટમને વધુ સુસંગત બનાવવાની જરૂર છે. નહીં તો ભવિષ્યમાં લાખો વાહનચાલકો માટે વધતો રિપેરિંગ ખર્ચ, ઘટતું માઈલેજ અને એન્જિનની સમસ્યાઓ મોટો પડકાર બની શકે છે.

સોશિયલ મીડિયા પર ઈથેનોલવાળા પેટ્રોલે લઈને અનેક વીડિયો અને દાવાઓ વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકોમાં પણ ચિંતા વધી રહી છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે દરેક વાહનમાં સમાન અસર થતી નથી, પરંતુ ફ્યુઅલ સિસ્ટમમાં વધતી ભેજ, કાટ અને જાળવણી ખર્ચ જેવી સમસ્યાઓ અવગણી શકાય તેમ નથી. તેથી વાહન ઉત્પાદકો અને સરકાર દ્વારા લાંબા ગાળાની અસર અંગે વધુ અભ્યાસ અને સ્પષ્ટ માર્ગદર્શન આપવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

ઈથેનોલ ફ્યુઅલ ભેજ કેવી રીતે શોષે છે?

  • ઈથેનોલ હાઈગ્રોસ્કોપિક હોય છે, એટલે કે તે હવામાં રહેલા ભેજને પોતાની તરફ ખેંચવાની અને શોષવાની ક્ષમતા ધરાવે છે.

  • ફ્યુઅલ ટેન્ક સંપૂર્ણપણે સીલ હોતી નથી, તેથી ટૅન્કમાં હવાની અવરજવર ચાલુ રહે છે અને આ હવા દ્વારા જ ભેજ અંદર પહોંચે છે.

  • હવામાં રહેલી વોટર વેપર ઈથેનોલના સંપર્કમાં આવતા જ તેમાં ઓગળવા લાગે છે.

  • ફ્યુઅલમાં ઈથેનોલનું મિશ્રણ જેટલું વધારે હશે, એટલી જ ભેજ શોષવાની શક્યતા વધી જશે.

  • લાંબા સમય સુધી ગાડી પડી રહે તો ટૅન્કમાં ભેજ જમા થવાની આશંકા વધી જાય છે, કારણ કે ફ્યુઅલનો ઉપયોગ થતો નથી.

  • એક મર્યાદાથી વધારે ભેજ થવા પર ફેઝ સેપરેશન થઈ શકે છે, જેમાં પાણી અને ઈથેનોલ નીચે બેસી જાય છે, જ્યારે પેટ્રોલ ઉપર આવી જાય છે.

  • ફેઝ સેપરેશન થવાને કારણે એન્જિનને સાચું મિશ્રણ મળતું નથી, જેનાથી ગાડી સ્ટાર્ટ થવામાં તકલીફ, મિસફાયરિંગ અને પરફોર્મન્સમાં ઘટાડો આવી શકે છે.

  • ટૅન્કમાં જમા થયેલું પાણી મેટલના ભાગોમાં કાટ લગાડી શકે છે, જેનાથી ફ્યુઅલ પંપ, ઈન્જેક્ટર અને ફ્યુઅલ લાઈનને નુકસાન થઈ શકે છે.