Loading Please Wait !!!
ડેટિંગની દુનિયાનો નવો ખતરનાક ટ્રેન્ડ વાઈલ્ડ ફ્લાવરિંગ, જાણો હકીકત

  • કમીટમેન્ટ અને ટેન્શન વિના સંબંધો માણવાનો નવો રસ્તો, યુવાઓમાં ક્રેઝ
  • ભવિષ્યની કોઈ જ ચિંતા કે આયોજન વિના સંબંધો બાંધવાનો ટ્રેન્ડ
  • ડેટિંગના થાકથી બચવા જનરેશન ઝેડ અપનાવી રહી છે નવો શોર્ટકટ

સિટી ન્યુઝ @ અમદાવાદ

આજના આધુનિક સમયમાં આપણે દરરોજ રિલેશનશિપ અને ડેટિંગના નવા નવા ટ્રેન્ડ વિશે સાંભળીએ છીએ. હવે યુવાઓમાં 'વાઈલ્ડ ફ્લાવરિંગ' નામનો એક નવો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે. જંગલી ફૂલો (વાઈલ્ડ ફ્લાવર) કોઈપણ જાતની કાળજી કે આયોજન વિના કુદરતી રીતે ઉગે છે, બરાબર તેવી જ રીતે આ ટ્રેન્ડમાં બે લોકો ભવિષ્યની કોઈપણ યોજના વિના એકબીજા સાથે જોડાય છે. આ સંબંધોને તાત્કાલિક કોઈ લાંબા ગાળાના સંબંધ તરીકે લેબલ આપવામાં આવતું નથી, પરંતુ કપલ્સ માત્ર વર્તમાનનો આનંદ માણવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ ટ્રેન્ડ ઝડપથી વધવા પાછળનું સૌથી મોટું કારણ લોકોનો ડેટિંગ પ્રત્યેનો થાક છે. તાજેતરના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આજની યુવા પેઢી, ખાસ કરીને જનરેશન ઝેડ, ડેટિંગના દબાણ અને તણાવથી બચવા માંગે છે. વાઈલ્ડ ફ્લાવરિંગ તેમને સંબંધના ભવિષ્યની ચિંતા કર્યા વિના જોડાણનો આનંદ માણવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. આ પ્રકારના સંબંધમાં અપેક્ષાઓ ખૂબ ઓછી હોય છે, જેથી મનની શાંતિ જળવાઈ રહે છે અને માત્ર મિત્રતા કરતા કંઈક વધુ હોય તેવો સંબંધ બાંધવાની તક મળે છે.

જોકે, નિષ્ણાતોના મતે વાઈલ્ડ ફ્લાવરિંગના ઘણા ગંભીર ગેરફાયદા પણ છે. જે લોકો સ્વભાવે અત્યંત ભાવનાત્મક હોય છે અને સંબંધોને ખૂબ ઊંડાણપૂર્વક લે છે તેમના માટે આ ટ્રેન્ડ ખતરનાક સાબિત થઈ શકે છે. આ સંબંધમાં કમીટમેન્ટ કરતા સ્વતંત્રતા પર વધુ ભાર મુકાતો હોવાથી, તે એકસાથે અનેક સંબંધો તરફ દોરી શકે છે. જો આ પ્રકારના સંબંધમાં બેમાંથી કોઈ એક વ્યક્તિ આ શરતોથી અજાણ હોય અને ગંભીર થઈ જાય, તો તે સંબંધમાં મોટું અસંતુલન અને માનસિક આઘાત પેદા કરી શકે છે.

 

આધુનિક ડેટિંગ અને બદલાતી માનસિકતા

આજના સમયમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના કારણે સંબંધો બાંધવા ખૂબ સરળ બની ગયા છે, પરંતુ તેને ટકાવી રાખવા એટલા જ મુશ્કેલ છે. યુવાનો શારીરિક અને માનસિક સ્વતંત્રતા વધુ ઝંખે છે, જેના કારણે પરંપરાગત પ્રેમની વ્યાખ્યાઓ ઝડપથી બદલાઈ રહી છે. કમીટમેન્ટનો ડર અને તાત્કાલિક ખુશી મેળવવાની ઘેલછા યુવા પેઢીને આવા અસ્થાયી અને જોખમી ટ્રેન્ડ તરફ ધકેલી રહી છે.