Loading Please Wait !!!
રાજકોટના ધારાસભ્યોને ખુલ્લો પત્ર... નાની દીકરીઓના ભવિષ્ય માટે સિટી ન્યૂઝ ખુલ્લી લડાઈ ઘોષિત કરે છે

  • જ્યાં સુધી દરેક દીકરીને એડમિશન નહીં મળે ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે !
  • આ માત્ર એડમિશનની લડાઈ નથી કે કોઈ સ્કૂલ વિરૂધ્ધ નથી અમારી લડાઈ સિસ્ટમ સામે છે
  • નિયમો છે તો તેનો અમલ થવો જોઈએ, હકો છે તો તેનો લાભ મળવો જોઈએ

જન કી બાત અનિરુદ્ધ નકુમ

રાજકોટમાં હાલ જે ચાલી રહ્યું છે તે શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા નહીં, પણ ખુલ્લેઆમ "સ્કૂલ માફિયા"નું રાજ છે. આરટીઈ હેઠળ હકદાર ૧૦થી ૧૪ વર્ષની નાની દીકરીઓને એડમિશન મળતું નથી, જ્યારે શાળાઓમાં ૨૫% જગ્યાઓ ખાલી છે આથી મોટો અન્યાય શું હોઈ શકે? દરરોજ દીકરીઓનો એક જ સવાલ "પપ્પા, અમે સ્કૂલે ક્યારે જઈશું?" પણ જવાબ કોઈ પાસે નથી. વાલીઓ ધક્કા ખાય છે, સિસ્ટમ "જોઈ લઈશું" કહે છે અને શાળા સંચાલકો નિયમોને ખિસ્સામાં મૂકી દે છે. દરરોજ સવારે ઊઠીને આ દીકરીઓ પોતાના માતા-પિતાને એક જ સવાલ પૂછે છે “અમે સ્કૂલે ક્યારે જઈશું?” આ સવાલ માત્ર નિર્દોષ જિજ્ઞાસા નથી, પરંતુ તેમની અંદરની ચિંતા અને અનિશ્ચિતતાનું પ્રતિબિંબ છે. આ ઉંમરે જ્યાં બાળકોને શિક્ષણ અને સંસ્કાર મળવા જોઈએ, ત્યાં તેઓ અસુરક્ષા અને નિરાશાનો સામનો કરી રહ્યા છે. તેમની આ માનસિક સ્થિતિ માટે જવાબદાર કોણ? સવાલ સીધો છે રાજકોટમાં સરકાર કોણ ચલાવે છે? ભાજપ કે ધોળકિયા સ્કૂલ? ધારાસભ્યો શા માટે ચૂપ છે?

શું તેઓ ખરેખર પ્રજાના પ્રતિનિધિ છે કે માત્ર શોભાના ગાંઠિયા? રાજકોટ શહેરમાં શિક્ષણ વ્યવસ્થાની હાલત અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ સરકાર શિક્ષણને અધિકાર તરીકે રજૂ કરે છે, તો બીજી તરફ શહેરમાં ખાનગી શાળાઓની મનમાની સામે તંત્ર અને જનપ્રતિનિધિઓની મૌનવૃત્તિ ચિંતાજનક છે. આ મુદ્દો કોઈ એક શાળા વિરુદ્ધનો વિરોધ નથી, પરંતુ સમગ્ર સિસ્ટમને જવાબદાર બનાવવાનો પ્રયાસ છે. જો નિયમો છે, તો તેનો અમલ પણ થવો જોઈએ. જો હકો છે, તો તેનો લાભ પણ મળવો જોઈએ. આજથી સિટી ન્યૂઝ દ્વારા નાની દીકરીઓના શિક્ષણ હક માટે અભિયાન શરૂ કરવામાં આવે છે. જ્યાં સુધી દરેક હકદાર બાળકને પ્રવેશ નહીં મળે, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. કારણ કે આ માત્ર એડમિશનની લડાઈ નથી પરંતુ આ ભવિષ્ય બચાવવાની લડાઈ છે. આ લડાઈ કોઈ એક શાળા વિરુદ્ધ નથી પણ આ નાની દીકરીઓના ભવિષ્ય માટે છે. સિટી ન્યૂઝ આજથી ખુલ્લી લડાઈ ઘોષિત કરે છે કે, જ્યાં સુધી દરેક દીકરીને એડમિશન નહીં મળે, ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે!