રાજકોટમાં ‘ધોળકિયા સરકાર’ના હોર્ડિંગ્સ શહેરનું રિમોટ કંટ્રોલ સ્કૂલ માફિયાના હાથમાં?
- સરકારનો આ કન્ફર્મ બાળકોને લેટર છે પણ સ્કૂલ મનમાની ચલાવે છે
- DDOના લેટરમાં બોલતા સરકારી પુરાવા
- સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં તાજેતરમાં લગાવવામાં આવેલા “ધોળકિયા સરકાર” લખાણવાળા હોર્ડિંગ્સે નવા વિવાદને જન્મ આપ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નજરે પડતા આ બેનરોને લઈને લોકોમાં ચર્ચા જાગી છે કે શું હવે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પોતાને “સરકાર” તરીકે પ્રોજેક્ટ કરી રહી છે?
માહિતી મુજબ, આ હોર્ડિંગ્સ જી.કે. ધોળકિયા ગ્રુપ સાથે સંકળાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે. શહેરના નાગરિકો અને વાલીઓએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે કે આવી ભાષાનો ઉપયોગ શું યોગ્ય છે? ખાસ કરીને ત્યારે, જ્યારે આરટીઈ (RTE) પ્રવેશ જેવા મુદ્દાઓ પર કેટલીક શાળાઓ સામે વાલીઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
વાલીઓનું કહેવું છે કે એક તરફ બાળકોને પ્રવેશ માટે ધક્કા ખાવા પડે છે, જ્યારે બીજી તરફ “ધોળકિયા સરકાર” જેવા બેનરો લગાવીને પોતાની છબી મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. “જો સાચે સેવા આપતા હોય તો પહેલા બાળકોને યોગ્ય રીતે પ્રવેશ આપો,” એવી ટિપ્પણીઓ પણ સાંભળવા મળી રહી છે.
આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કે સ્થાનિક તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. શહેરના રાજકીય નેતાઓ પણ આ મુદ્દે મૌન સાધતા દેખાઈ રહ્યા છે, જેને કારણે ચર્ચા વધુ ગરમાઈ રહી છે.
વિશેષજ્ઞોના મતે, “સરકાર” જેવા શબ્દનો ઉપયોગ અત્યંત સંવેદનશીલ છે અને તેને લઈ સ્પષ્ટ માર્ગદર્શિકા હોવી જોઈએ. હાલ લોકોમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે શું રાજકોટમાં ખરેખર “ધોળકિયા સરકાર” ચાલી રહી છે કે પછી આ માત્ર પ્રચારનો એક ભાગ છે? આ મુદ્દે હવે તંત્ર શું પગલું ભરે છે અને હોર્ડિંગ્સ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.