Loading Please Wait !!!
રામ તેરી ગંગા અભડાઈ : ગંગા નદીમાં બોટલો ઠંડી કર્યા પછી દારૂ પીધો

» ઋષિકેશના તપોવન વિસ્તારમાં યુવાનોએ પાર્ટી કરી

સિટી ન્યૂઝ@ઋષિકેશ

ઋષિકેશમાં શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડતી વધુ ૧ ઘટના સામે આવી છે. તપોવન વિસ્તારમાં કેટલાક પ્રવાસી યુવાનો દ્વારા પવિત્ર ગંગા નદીની વચ્ચે બેસીને ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ થતાં સ્થાનિકો અને યાત્રાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.વીડિયોમાં ૩ થી ૪ યુવાનો ગંગા નદીના પાણીમાં ખડક પર અર્ધનગ્ન અવસ્થામાં બેસી દારૂ પીતા જોવા મળે છે. આ પ્રવાસીઓએ દારૂની બોટલોને ઠંડી કરવા માટે પવિત્ર ગંગા જળનો ઉપયોગ કર્યો હતો. કેટલાક યુવાનો નદીની અંદર ઉભા રહીને પાર્ટી કરી રહ્યા હતા, જેનાથી ગંગાની પવિત્રતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.

આ પ્રવૃત્તિ ચાલુ હતી ત્યારે જ સ્થાનિક લોકો અને ભક્તોએ પહોંચીને યુવાનોને અટકાવ્યા હતા. લોકોએ રોષભેર પૂછ્યું કે, "શું આ દારૂ પીવાની જગ્યા છે?" સ્થાનિકોએ યુવાનોને સમજાવ્યું કે દેવભૂમિમાં ધાર્મિક મૂલ્યો સાથે ચેડાં ચલાવી લેવાશે નહીં. આકરા ઠપકા અને ચેતવણી બાદ યુવાનોએ પોતાની ભૂલ સ્વીકારી પાણીમાંથી બહાર આવી ચાલ્યા ગયા હતા.

પ્રવાસન સીઝનમાં ઋષિકેશમાં લાખો પ્રવાસીઓ આવતા હોવાથી કેટલાક બેફામ તત્વો દ્વારા ગંગા કિનારે નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ વધી છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પોલીસ અને વહીવટી તંત્ર પાસે આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા અને ગંગા કિનારે સુરક્ષા વધારવા ઉગ્ર માંગ કરી છે. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.