Loading Please Wait !!!
જાપાનમાં 6.0 તીવ્રતાનો બીજો ભૂંકપ

  • 50 લોકો ઘાયલ 7 દિવસ સુધી ફરી ભૂંકપની ચેતવણી

સિટી ન્યૂઝ@ટોક્યો

જાપાનના ઉત્તરી હોકાઈડો પ્રાંતમાં રવિવારે રાત્રે ૬.૦ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦:૪૫ વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્ર હોકાઈડો નજીક સમુદ્રમાં ૪૦ કિમીની ઊંડાઈએ હતું.

JMA એ સુનામીની ચેતવણી જાહેર કરી ન હતી. આ પહેલા શનિવારે મોડી રાત્રે સ્થાનિક સમય મુજબ ૨ વાગ્યે જાપાનના પૂર્વીય ભાગમાં ૫.૬ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ક્યોડો ન્યૂઝ અનુસાર, ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જાપાન ટાઈમ્સ અનુસાર, સરકારે લોકોને આગામી એક અઠવાડિયા સુધી આવા જ તીવ્ર ભૂકંપ માટે સાવચેત રહેવા જણાવ્યું છે.

ભૂકંપને કારણે ટોક્યો અને નારિતા એરપોર્ટ જતી એક્સપ્રેસ ટ્રેનો મોડી પડી. ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ચાલતી કેટલીક સ્થાનિક ટ્રેન સેવાઓ પર પણ અસર પડી. જોકે, ઈસ્ટ જાપાન રેલ્વે કંપનીના જણાવ્યા અનુસાર શિંકનસેન બુલેટ ટ્રેનો સામાન્ય રીતે ચાલુ રહી.

ભૂકંપ પછી મોબાઈલ ફોન પર ઈમરજન્સી એલર્ટ જારી થયા અને ટોક્યોમાં પણ જોરદાર આંચકા અનુભવાયા. NHK પબ્લિક ટેલિવિઝન પર મિટો અને સાઈતામા સહિત આસપાસના શહેરોના રસ્તાઓ પર ટ્રેફિક સામાન્ય દેખાયો.

ટોક્યોના પૂર્વ વોર્ડ કોટોમાં જમીનની નીચે પાણીની પાઈપલાઈન તૂટી ગઈ. પરંતુ વાદમાં પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવ્યું અને પાણીનો લીકેજ બંધ થઈ ગયો. પ્રાંતીય અધિકારીઓ અને ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી અનુસાર, પાંચ પ્રાંતોમાં લોકો ઘાયલ થયા. ટોક્યોમાં ૧૫, સાઈતામામાં ૬, કાનાગાવામાં ૮, ચિબામાં ૪ અને ઇબારાકીમાં ૧ વ્યક્તિ ઘાયલ થયો. ટોક્યોના ૨૩ વોર્ડ્સની સાથે સાઈતામા અને ચિબામાં લાંબા સમય સુધી ચાલતા આંચકા પણ નોંધાયા.