અમેરિકા પર દેવાનો પહાડ: ઈતિહાસમાં પ્રથમ વાર $40 ટ્રિલિયનને પાર પહોંચ્યું દેવું
-
વર્ષ 2017 પછીના ગાળામાં અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું બમણાથી પણ વધુ વધ્યું
-
જાપાનનું દેવું જીડીપીના 204.4%, યુએસ 121.5% અને યુકે 99.5% ના સ્તરે પહોંચ્યું
-
ભારતમાં 31 March 2026 સુધીમાં કુલ દેવું ઘટીને જીડીપીના 58.2% નોંધાયું
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા ગણાતું અમેરિકા હાલમાં અભૂતપૂર્વ દેવાના બોજ તળે દબાઈ ગયું છે. આર્થિક વિશ્લેષકો અને તાજેતરના અહેવાલો મુજબ ઈતિહાસમાં પહેલી વાર અમેરિકાનું કુલ સાર્વભૌમ દેવું 40 ટ્રિલિયન (40 લાખ કરોડ) ડોલરના ઐતિહાસિક આંકડાને વટાવી ગયું છે. વર્ષ 2017 પછીના સમયગાળામાં અમેરિકાના દેવામાં બમણાથી પણ વધુ વધારો નોંધાયો છે, જેના કારણે યુએસ હાલ પોતાના વાર્ષિક સંરક્ષણ બજેટ કરતાં પણ વધુ એટલે કે દર વર્ષે 980 અબજ ડોલર માત્ર વ્યાજ પેટે ચૂકવી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે સૌથી વધુ દેવું ધરાવતા દેશોની યાદીમાં ભારત અત્યારે વિશ્વમાં 8મા ક્રમે આવે છે. જોકે ભારત માટે મોટી રાહતની બાબત એ છે કે દેશનું કુલ જાહેર દેવું નિયંત્રણમાં આવીને જીડીપીના 58.2% એટલે કે 31 March 2026 સુધીમાં ₹201.17 લાખ કરોડ જેટલું નોંધાયું છે. તેની સરખામણીમાં અમેરિકાનું દેવું જીડીપીના 121.5%, બ્રિટનનું 99.5% અને જાપાનનું દેવું જીડીપીના 204.4% ના અત્યંત જોખમી સ્તરે પહોંચી ચૂક્યું છે.
દેશના રાજ્યોના આર્થિક દેવાની સ્થિતિ પર નજર કરીએ તો ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સત્તાવાર આંકડા અનુસાર દેવાના મામલે તામિલનાડુ ₹9.56 લાખ કરોડ (સ્ટેટ જીડીપીના 30%) સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર ₹8.47 લાખ કરોડ, ઉત્તર પ્રદેશ ₹7.88 લાખ કરોડ, કર્ણાટક ₹6.40 લાખ કરોડ અને રાજસ્થાન ₹6.37 લાખ કરોડ સાથે મુખ્ય દેવાદાર રાજ્યોની યાદીમાં સ્થાન ધરાવે છે.
બીજી તરફ ગુજરાત રાજ્યની નાણાકીય સ્થિતિ દેશના અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ઘણી વધુ સંતુલિત અને મજબૂત જોવા મળી રહી છે. ગુજરાત પર હાલ કુલ ₹4.95 લાખ કરોડનું દેવું છે, જે રાજ્યના જીડીપીના માત્ર 18% જેટલું જ મર્યાદિત રહેવા પામ્યું છે.
દેશની એકંદર આર્થિક સ્થિતિ અને ઋણ ચૂકવવાની નાણાકીય ક્ષમતામાં મોટો સુધારો જોવા મળ્યો છે. ભારતનો વ્યાજ ચુકવણી અને મહેસૂલી આવકનો ગુણોત્તર વર્ષ 2020-21 માં 41.6% હતો, જે નાણાકીય વર્ષ 2025-26 માં ઘટીને 37.6% ના સ્તરે આવી ગયો છે. આ સકારાત્મક ઘટાડો દર્શાવે છે કે વિકસિત દેશોની તુલનાએ ભારતની નાણાકીય વ્યવસ્થા અને દેવું ચૂકવવાની ક્ષમતા વધુ સદ્ધર બની છે.
અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું ભારત સુરક્ષિત
અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું ઈતિહાસમાં પ્રથમ વાર 40 ટ્રિલિયન ડોલરને પાર થયું છે, જ્યાં વાર્ષિક 980 અબજ ડોલર વ્યાજમાં ખર્ચાય છે. વૈશ્વિક યાદીમાં 8મા નંબરે રહેલા ભારતનું દેવું જીડીપીના 58.2% જેટલું નિયંત્રિત છે. ભારતમાં તામિલનાડુ ₹9.56 લાખ કરોડ સાથે ટોચ પર છે, જ્યારે ગુજરાતનું દેવું જીડીપીના માત્ર 18% સાથે સ્થિર છે.