ફ્રાન્સમાં પ્રથમ મોટું હિન્દુ મંદિર તૈયાર
- 2 થી 14 સપ્ટેમ્બર સુધી ફેસ્ટિવલ ઓફ કલ્ચર યોજાશે
- » BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે
સિટી ન્યૂઝ@પેરિસ
ફ્રાન્સમાં પેરિસ નજીક બુસી-સેન્ટ-જોર્જિસમાં સપ્ટેમ્બર ૨૦૨૬માં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે. તેને ફ્રાન્સનું પ્રથમ મોટું હિન્દુ મંદિર ગણાવવામાં આવી રહ્યું છે. મંદિરના ઉદ્ઘાટન સાથે ૨ થી ૧૪ સપ્ટેમ્બર સુધી ૧૩ દિવસનો ફેસ્ટિવલ ઓફ કલ્ચર યોજાશે. જેમાં લોકોને હિન્દુ પરંપરાઓ, ભારતીય કલા, સંગીત અને સંસ્કૃતિ વિશે જાણવાની તક મળશે. આ મંદિર માત્ર પૂજા માટે જ નહીં હોય. અહીં સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો પણ યોજાશે. ઉદ્ઘાટનમાં ભારતીય મૂળના લોકો સાથે હિન્દુ સમુદાય અને ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો પહોંચે તેવી અપેક્ષા છે. મંદિર ખુલ્લવાથી ફ્રાન્સમાં રહેતા ભારતીય અને હિન્દુ સમુદાયને પૂજા અને સંસ્કૃતિ સાથે જોડાવા માટે એક મોટું કેન્દ્ર મળશે.
પેરિસ નજીક બનેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારતમાંથી લાવવામાં આવેલા ખાસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરો ભારતમાં લગભગ ૧,૦૦૦ વર્ષ જૂની કોતરાણીની ટેકનિકથી તૈયાર કરવામાં આવ્યા છે. ઘણા ભાગો પર કારીગરોએ હાથથી જીવવતભરી કોતરાણી કરી છે. ભારતમાં તૈયાર કરાયેલા આ પથ્થરોને ફ્રાન્સ લાવીને મંદિરમાં લગાવવામાં આવ્યા, આ કામમાં ભારતીય કારીગરોની સાથે ફ્રાન્સના નિષ્ણાતો પણ સામેલ હતા. તેમાં નોટ્રે-ડેમ કેથેડ્રલના સ્મારકામ સાથે સંકળાયેલા કારીગરો પણ હતા. આ રીતે મંદિરમાં ભારતીય શિલ્પકલા અને ફ્રાન્સની આધુનિક નિર્માણ ટેકનિકનો સંગમ જોવા મળે છે. મંદિરની રચનામાં ગુંબજ, સ્તંભ અને શિખર જેવી પરંપરાગત હિન્દુ વાસ્તુકલાનો સમાવેશ થાય છે. BAPS પેરિસની વેબસાઈટ અનુસાર, ફ્રાન્સમાં હિન્દુ મંદિર બનાવવાનો વિચાર ૧૯૯૦માં આવ્યો હતો. તેના લગભગ ૨૫ વર્ષ પછી, ૧૯૯૫માં પેરિસમાં મંદિર બનાવવાની યોજના પર કામ આગળ વધ્યું. ૨૦૧૫માં બુસી-સેન્ટ-જોર્જિસમાં મંદિર માટે જમીન મળી. ત્યારબાદ ૨૦૨૧માં નિર્માણ પ્રક્રિયા આગળ વધી. લગભગ પંચ વર્ષ પછી હવે ૨૦૨૬માં મંદિર બનીને તૈયાર છે.