સાઉદી-પાકિસ્તાન-તૂર્કિયે સંરક્ષણ ગઠબંધનમાં જોડાવા બાંગ્લાદેશ ઉત્સુક
-
7 August ના રોજ મક્કામાં સાઉદી, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે થયો હતો સુરક્ષા કરાર
-
કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો ત્રણેય દેશો પરનો હુમલો ગણવાની સંધિમાં જોગવાઈ
-
વિદેશ રાજ્ય મંત્રી હુમાયૂ કબીર અને શમા ઓબેદે રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી
સિટી ન્યુઝ @ ઢાકા
સાઉદી અરબ, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે તાજેતરમાં રચાયેલા નવા ત્રિપક્ષીય સંરક્ષણ ગઠબંધનમાં સામેલ થવા માટે બાંગ્લાદેશ સરકારે અત્યંત હકારાત્મક વલણ દર્શાવ્યું છે. બાંગ્લાદેશ સરકારના 2 રાજ્ય કક્ષાના મંત્રીઓએ આ અંગે મહત્વના સંકેત આપતાં સ્પષ્ટ કર્યું છે કે દેશના રાષ્ટ્રીય હિતો, સાર્વભૌમત્વ અને આર્થિક સુરક્ષાની સ્થિતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ ગઠબંધનમાં જોડાવા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે 7 August ના રોજ પવિત્ર મક્કા શહેર ખાતે સાઉદી અરબ, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે એક ઐતિહાસિક સૈન્ય અને સુરક્ષા કરાર સંપન્ન થયો હતો. આ સમજૂતી હેઠળ સામૂહિક સુરક્ષાનું એક મજબૂત માળખું રચવામાં આવ્યું છે, જેમાં એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે ત્રણેયમાંથી કોઈપણ 1 દેશ પર સશસ્ત્ર હુમલો થશે તો તેને સમગ્ર ગઠબંધન પરનો સંયુક્ત હુમલો ગણવામાં આવશે.
બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયૂ કબીરે જણાવ્યું હતું કે સરકાર હાલ 'બાંગ્લાદેશ ફર્સ્ટ' અને સંતુલિત કૂટનીતિના સિદ્ધાંત પર આગળ વધી રહી છે. વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષા સમીકરણોને ધ્યાને રાખીને બાંગ્લાદેશ આર્થિક તેમજ સુરક્ષા માળખામાં સહભાગી થવા ઉત્સુક છે, જ્યારે અન્ય વિદેશ રાજ્ય મંત્રી શમા ઓબેદ ઈસ્લામે પણ લોકોના હિતોનું રક્ષણ થવાની શરતે આ જોડાણનું સમર્થન કર્યું છે.
આ સાથે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથેના પોતાના દ્વિપક્ષીય સંબંધોને પુનઃ પાટે લાવી વધુ સુદ્રઢ કરવા માંગે છે. સામાન્ય રાજદ્વારી ચેનલો મારફતે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, વાણિજ્યિક ગતિવિધિઓ અને પીપલ-ટુ-પીપલ કનેક્ટ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેનાથી ક્ષેત્રીય સંબંધોમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે.
બીજી તરફ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તરફથી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને રિયાધની સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ મળ્યું છે. વડાપ્રધાનના નાણાકીય સલાહકાર પ્રોફેસર રાશેદ અલ મહમૂદ તિતુમીરે જણાવ્યું કે 'બાંગ્લાદેશ ફર્સ્ટ' નીતિ દેશના વિદેશ સંબંધોમાં મોટો પલટો લાવી રહી છે અને સાર્વભૌમત્વ સાથે પરસ્પર લાભદાયી સંબંધોને પ્રોત્સાહન આપી રહી છે.
સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ ગઠબંધનમાં જોડાવા બાંગ્લાદેશ સકારાત્મક બન્યું
સાઉદી અરબ, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે 7 August ના રોજ થયેલા નવા સુરક્ષા કરારમાં જોડાવા માટે બાંગ્લાદેશ સરકારે હકારાત્મક સંકેત આપ્યા છે. 'બાંગ્લાદેશ ફર્સ્ટ' નીતિ હેઠળ રાષ્ટ્રીય હિત અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. વડાપ્રધાન તારિક રહેમાનને સાઉદી પ્રવાસનું આમંત્રણ મળ્યું છે, જ્યારે પાકિસ્તાન સાથે પણ વેપાર-સંબંધો મજબૂત કરવાની તૈયારી ચાલી રહી છે.