Loading Please Wait !!!
અમેરિકાના એરપોર્ટ પર ઇંધણ ખૂટ્યું: વિમાનો અટવાતા NOTAM એલર્ટ જાહેર

 

  • બફેલો નિયાગ્રા એરપોર્ટ પર જેટ ફ્યુઅલની અછત: ફ્લાઇટ્સનું રિફ્યુઅલિંગ ઠપ્પ

  • ન્યૂયોર્કના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરી: પાઇલટોને વધારાનું ફ્યુઅલ રાખવા સૂચના

  • વિમાનોના પૈડાં થંભી ગયા: યુએસ એરપોર્ટ પર ફ્યુઅલ કટોકટીથી ભારે હોબાળો

સિટી ન્યુઝ @ ન્યૂયોર્ક

અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના ચીકટોવાગા શહેરમાં આવેલા જાણીતા બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક જેટ ફ્યુઅલ (એવિએશન ઇંધણ) ખૂટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એરપોર્ટ પર ઇંધણનો જથ્થો સમાપ્ત થઈ જવાના કારણે વિમાનોમાં રિફ્યુઅલિંગ કરવાની તમામ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના લીધે અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ એરપોર્ટ પર જ અટવાઈ પડી છે.

આ અણધારી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી NOTAM (Notice to Air Missions) ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ એરપોર્ટ, રનવે અથવા એરસ્પેસમાં કોઈ અસામાન્ય કે અસ્થાયી ઇમરજન્સી સ્થિતિ સર્જાય, ત્યારે ઉડાન ભરતા પાઇલટોને સત્તાવાર રીતે માહિતગાર કરવા માટે આ ચેતવણી જારી કરવામાં આવે છે.

આ કટોકટીના પગલે યુએસની અગ્રણી તમામ એરલાઇન્સે પોતાના પાઇલટોને ખાસ ઓપરેશનલ નિર્દેશ આપ્યા છે. જો કોઈ વિમાન બફેલો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હોય અથવા ત્યાં લેઓવર શેડ્યૂલ હોય, તો તેમણે નજીકના પાડોશી એરપોર્ટ પર રોકાણ કરીને પૂરતું ફ્યુઅલ ભરી લેવું અથવા વધારાનો ઇંધણ જથ્થો સાથે રાખીને જ ઉડાન ભરવાની સૂચના અપાઈ છે.

બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ મધ્યમ કદનું હોવાથી ત્યાં સીધી પાઇપલાઇન દ્વારા નહીં પરંતુ સ્પેશિયલ ફ્યુઅલ ટેન્કર ટ્રકો મારફતે જેટ ફ્યુઅલ પહોંચાડવામાં આવતું હોય છે. અચાનક સપ્લાય ચેઇન ખોરવાઈ જતાં એરપોર્ટ પર જેટ ફ્યુઅલનો સ્ટોક સંપૂર્ણ ખાલી થઈ ગયો હતો.

હાલમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જવા પાછળનું કોઈ ચોક્કસ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે એવિએશન નિષ્ણાતોના મતે લોકલ ટર્મિનલના ઇક્વિપમેન્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોઈ શકે છે અથવા ફ્યુઅલ ક્વોલિટી સંબંધિત ખામી જણાતાં સલામતીના ભાગરૂપે સપ્લાય અટકાવવામાં આવી હોવાની સંભાવના છે.

અમેરિકાના એરપોર્ટ પર ઇંધણ ખૂટતાં NOTAM જારી

ન્યૂયોર્કના બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક જેટ ફ્યુઅલ ખૂટી જતાં રિફ્યુઅલિંગ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને અનેક વિમાનો અટવાઈ પડ્યા છે. ગંભીર પરિસ્થિતિને કારણે NOTAM ઇમરજન્સી એલર્ટ જારી કરી એરલાઇન્સને નજીકના એરપોર્ટ પરથી વધારાનું ફ્યુઅલ ભરવા સૂચના અપાઈ છે. ટેકનિકલ ખામી કે ગુણવત્તાના પ્રશ્ને ઇંધણ સપ્લાય ખોરવાયાનું અનુમાન છે.