'દાદા' 14 મે રિલીઝ થશે
સૌરવ ગાંગુલીની બાયોપિક
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસ તે તેની બાયોપિક 'દાદાઃ ધ સૌરવ ગાંગુલી સ્ટોરી' નું પહેલું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. સાથે જ નિર્માતાઓએ જાહેરાત કરી છે કે જેની ઘણી રાહ જોવાય છે, તેવી આ ફિલ્મ ૧૪ મે, ૨૦૨૭ના રોજ વર્લ્ડવાઈડ થિયેટર્સમાં રિલીઝ થશે. આ પોસ્ટરમાં રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની સૌથી યાદગાર અને ઐતિહાસિક પળોમાં એકને જીવંત કરતો જોવા મળે છે. પોસ્ટરમાં તે ૨૦૦૨ની નેટવેસ્ટ ટ્રોફીમાં ઈંગ્લેન્ડ સામે ભારતના ઐતિહાસિક વિજય બાદ લોર્ડ્સ મેદાનની બાલ્કનીમાંથી જર્સી લહેરાવતી ગાંગુલીની પ્રખ્યાત ક્ષણને પુનર્જીવિત કરતો નજરે પડે છે.
ક્રિકેટપ્રેમીઓ માટે આ ક્ષણ આજે પણ ભારતીય ક્રિકેટના ઈતિહાસની સૌથી યાદગાર તસવીરોમાંની એક માનવામાં આવે છે. ફિલ્મમાં સૌરવ ગાંગુલીની એક પ્રતિભાશાળી યુવા ક્રિકેટરથી લઈને ભારતીય ટીમના સફળ અને પ્રભાવશાળી કેપ્ટન બનવા સુધીની સફર રજૂ કરવામાં આવશે. તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના મહત્વના પ્રસંગો સાથે તેના નેતૃત્વ, સંઘર્ષ, આત્મવિશ્વાસ અને ભારતીય ક્રિકેટ પર પાડેલા અમીટ પ્રભાવને પણ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટર શેર કરતા રાજકુમાર રાવના ગાંગુલીના પાત્રમાં થયેલા રૂપાંતરની ઝલક પણ દર્શાવી છે.