Loading Please Wait !!!
મણિપુર ફરી હિંસાની જ્વાળામાં: ૩ ચર્ચ નેતાઓની હત્યા બાદ કુકી વિસ્તારોમાં ૩ દિવસનું ‘સંપૂર્ણ બંધ’

  • મણિપુરમાં ચર્ચ નેતાઓ પર સશસ્ત્ર જૂથનો હુમલો: ૫ લોકો ઘાયલ, સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
  • કુકી-જો સમુદાયનો આક્રોશ: ચર્ચના પાદરીઓની હત્યાના વિરોધમાં બે દિવસીય રાષ્ટ્રવ્યાપી શોકની જાહેરાત
  • મણિપુરમાં ફરી શાંતિ ડહોળાઈ: કાંગપોકપીમાં રક્તપાત બાદ કુકી વિસ્તારોમાં સજ્જડ બંધ

સિટી ન્યુઝ @ ઇમ્ફાલ 

મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હિંસાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. કાંગપોકપી જિલ્લામાં બાપ્ટિસ્ટ ચર્ચના ત્રણ અગ્રણી નેતાઓની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ કાયરતાપૂર્ણ હુમલાના વિરોધમાં કુકી સમુદાયની ટોચની સંસ્થા ‘કુકી ઇનપી મણિપુર’ (KIM) એ રાજ્યના તમામ કુકી-જો બહુમતી ધરાવતા વિસ્તારોમાં ૧૩ મે થી ૧૫ મે સુધી ત્રણ દિવસના સંપૂર્ણ બંધનું આહવાન કર્યું છે.

હુમલાની વિગત મુજબ, અજાણ્યા સશસ્ત્ર જૂથોએ કરેલા આ અંધાધૂંધ ગોળીબારમાં રેવરન્ડ વી. સિટલહાઉ, રેવરન્ડ કાઇગૌલન અને પાદરી પાઓગૌલનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કુકી ઇનપીના પ્રવક્તા જાંધાઓલન હાઓકિપે આ હુમલાને ‘બર્બર’ અને ‘અમાનવીય’ ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ હત્યાકાંડ પાછળ ‘ઝેડયુએફ-કામસન’ જૂથ અને અન્ય સશસ્ત્ર સમૂહોનો હાથ છે.

આ ઘટના બાદ યોજાયેલી ઈમર્જન્સી બેઠકમાં કુકી સંગઠને બે દિવસીય રાષ્ટ્રવ્યાપી શોકની પણ જાહેરાત કરી છે. બંધ દરમિયાન સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, શાળાઓ અને બજારો સંપૂર્ણપણે બંધ રહેશે. રસ્તાઓ પર ખાનગી વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, માનવીય અભિગમ અપનાવતા એરપોર્ટ સંચાલન, હોસ્પિટલ, અગ્નિશામક દળ અને અન્ય જરૂરી ઈમર્જન્સી સેવાઓને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

હિંસાના વિરોધમાં અને શાંતિની સ્થાપના માટે બુધવારે સાંજે વિવિધ ચર્ચો દ્વારા કેન્ડલ લાઈટ માર્ચ પણ કાઢવામાં આવી હતી. કુકી ઇનપીએ તમામ નાગરિક સમાજ સંગઠનો, મહિલા સંગઠનો અને છાત્ર સંગઠનોને પીડિતોના પરિવારો સાથે એકતા દર્શાવવા અને બંધનું સખ્તાઈથી પાલન કરવા અપીલ કરી છે. આ ઘટનાએ મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે અને સરહદી વિસ્તારોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે.