મિશન ૨૦૨૯ માટે ભાજપની ‘માસ્ટર બ્લુ પ્રિન્ટ’: વિપક્ષી ગઢ તોડી ૪૦૦ પાર કરવાનો લક્ષ્યાંક
- પશ્ચિમ બંગાળની જીત બાદ હવે પંજાબ અને હિમાચલ પર ભાજપની નજર; સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી
- કામગીરી, સક્રિયતા અને પબ્લિક ઈમેજના આધારે નક્કી થશે મંત્રીઓનું ભવિષ્ય; વડાપ્રધાને શરૂ કરી સમીક્ષા
- રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે રાજ્યસભામાં સંખ્યાબળ વધારવાનો વ્યૂહ; અનુભવી નેતાઓને સંગઠનની જવાબદારી સોંપાશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેની ત્રીજી ટર્મના મધ્યમાં પહોંચી રહી છે ત્યારે ભાજપ-એનડીએ (NDA) એ અત્યારથી જ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી માટે શતરંજની બિછાત બિછાવવાનું શરૂ કરી દીધું છે. ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપ ૨૪૦ બેઠકો પર અટકી ગયો હતો, પરંતુ પશ્ચિમ બંગાળમાં મેળવેલી પ્રચંડ જીત અને મહારાષ્ટ્ર-બિહારમાં મજબૂત સ્થિતિ બાદ હવે પક્ષ ૨૦૨૯માં '૪૦૦ પાર' ના લક્ષ્યાંકને હાંસલ કરવા મક્કમ છે. આ માટે સરકાર અને સંગઠન સ્તરે મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે.
વ્યૂહરચનાના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ તેમના મંત્રીઓના ‘રિપોર્ટ કાર્ડ’ મંગાવવાનું શરૂ કર્યું છે. આગામી માસમાં સરકારના બે વર્ષ પૂર્ણ થતા હોવાથી મંત્રીમંડળમાં વિસ્તરણ કે ફેરબદલની પ્રબળ શક્યતા છે. મંત્રીઓની કેન્દ્રીય યોજનાઓના અમલમાં સક્રિયતા, પક્ષના સંગઠન સાથે તાલમેલ અને તેમની જાહેર છબીની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. નબળું પ્રદર્શન કરનારા મંત્રીઓને પડતા મૂકીને નવા ચહેરાઓને તક મળી શકે છે.
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભવ્ય વિજય મેળવીને પોતાના કાર્યકાળનો શાનદાર પ્રારંભ કર્યો છે. હવે તેઓ ૨૦૨૯ અને આગામી ધારાસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોતાની નવી ટીમની જાહેરાત કરશે. પક્ષના અનેક અનુભવી નેતાઓને મંત્રીમંડળમાંથી સંગઠનમાં મોકલીને બીજી હરોળના નેતાઓ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવશે તેવું મનાય છે.
રાજકીય ગણિતની વાત કરીએ તો, આગામી વર્ષે ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે જ્યાં ભાજપની સરકાર છે. ભાજપ આ રાજ્યો જાળવી રાખવા ઉપરાંત કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશ અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબને પણ પશ્ચિમ બંગાળ સ્ટાઈલની આક્રમક રણનીતિથી આંચકી લેવા પ્રયાસ કરશે. જુલાઈ ૨૦૨૭માં દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે, જેમાં ભાજપ સતત ત્રીજી વખત પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે અત્યારથી જ રાજ્યસભામાં સંખ્યાબળ વધારવાનો વ્યૂહ ઘડી રહ્યો છે.
સીમાંકન મુદ્દે લોકસભામાં થયેલી પીછેહઠને ધ્યાને રાખી વડાપ્રધાન મોદી આગામી સમયમાં કોઈ પણ જોખમ લીધા વગર પક્ષને વધુ મજબૂત કરવાના આયોજનમાં છે. ૨૦૨૯ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભાજપ હવે શાસન અને સંગઠન વચ્ચેના તાલમેલને વધુ સુદ્રઢ કરવા પર ભાર મૂકી રહ્યો છે.