કોહલીનો રાયપુરમાં રૌદ્ર અવતાર: શાનદાર સદી સાથે કોલકાતાની વિજયકૂચ અટકાવી
- બે ‘ગોલ્ડન ડક’ બાદ વિરાટનું જોરદાર કમબેક; બેંગ્લોર ૬ વિકેટે વિજેતા બની પોઈન્ટ ટેબલમાં ટોચ પર
- કોહલી અને પડિકલની ૯૨ રનની ભાગીદારીએ પાયો નાખ્યો; જીતેશે ચોગ્ગો ફટકારી જીત પર મહોર લગાવી
- ક્રિસ ગેઈલને પાછળ છોડી કોહલીએ નોંધાવી ૧૦મી T20 સદી; રાયપુરના મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ
સિટી ન્યુઝ @ રાયપુર
આઈપીએલ ૨૦૨૬માં વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને શા માટે 'કિંગ' કહેવામાં આવે છે. સતત બે મેચમાં શૂન્ય રને આઉટ થઈ ટીકાકારોના નિશાને આવેલા કોહલીએ બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૬૦ બોલમાં અણનમ ૧૦૫ રન ફટકારી બેંગ્લોરને ૬ વિકેટે ભવ્ય વિજય અપાવ્યો હતો. આ જીત સાથે બેંગ્લોરની ટીમે પોઈન્ટ ટેબલમાં ફરીથી પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે.
૧૯૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ માટે કોહલી અને દેવદત્ત પડિકલ (૩૯ રન) એ બીજી વિકેટ માટે ૯૨ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. મેચ દરમિયાન કોહલીએ પોતાની ૯મી IPL સદી પૂરી કરી હતી. આ ઈનિંગ દરમિયાન કોહલીએ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૪,૦૦૦ રન પૂરા કરવાનો ક્રિસ ગેઈલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિરાટે પોતાની ૪૦૯મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.
અગાઉ, ભીના આઉટફિલ્ડને કારણે મેચ દોઢ કલાક મોડી શરૂ થઈ હતી. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા રઘુવંશીના ૭૧ રન અને રિંકુ સિંઘના અણનમ ૪૯ રનની મદદથી ૧૯૨ રન બનાવ્યા હતા. જોકે, કોલકાતાની શરૂઆત ધીમી રહી હતી અને પ્રથમ ૧૦ ઓવરમાં ટીમ માત્ર ૩૬ રન બનાવી શકી હતી. અંતિમ ઓવરોમાં રિંકુ અને ગ્રીને (૩૨ રન) તોફાની બેટિંગ કરી સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો.
બેંગ્લોરના બોલરોમાં ભુવનેશ્વર કુમારે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી હતી. જોકે, જેકબ ડફી ૪૮ રન આપીને ઘણો મોંઘો સાબિત થયો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા બેંગ્લોરે ૧૯.૧ ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. જીતેશે અંતિમ ઓવરમાં ચોગ્ગો ફટકારી ટીમને વિજયી બનાવી હતી. કોહલીની આ લડાયક ઈનિંગે સાબિત કર્યું કે ફોર્મ કામચલાઉ છે પણ ક્લાસ કાયમી છે.