Loading Please Wait !!!
ભારતનો ‘માસ્ટર સ્ટ્રોક’: નૌકાદળના સુરક્ષા કવચ હેઠળ હોર્મુઝમાંથી ૧૫ ગેસ ટેન્કરોની સફળ એક્ઝિટ

  • અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે પાર પાડ્યું અત્યંત જોખમી ઓપરેશન; ઉર્જા સંકટમાંથી મોટી રાહત
  • નેવીના યુદ્ધજહાજોએ ટેન્કરોને કર્યું એસ્કોર્ટ; ઈરાન અને અમેરિકાની નાકાબંધી વચ્ચે રસ્તો કાઢ્યો
  • વિવિધ એજન્સીઓના સંકલનથી ઓપરેશન બન્યું શક્ય; દેશમાં રાંધણ ગેસનો પુરવઠો જળવાઈ રહેશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને દરિયાઈ સીમાઓ પર સર્જાયેલા ગંભીર તણાવ વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે એક અત્યંત ગુપ્ત અને સાહસિક ઓપરેશન દ્વારા હોર્મુઝ સમુદ્રધૂનીમાં ફસાયેલા પોતાના તમામ ૧૫ એલપીજી (LPG) અને ૨ એલએનજી (LNG) ટેન્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. ભારતીય નૌકાદળના અત્યાધુનિક યુદ્ધજહાજોના સુરક્ષા કવચ હેઠળ આ જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલ અને ગેસના પુરવઠા પર મોટું સંકટ મંડરાઈ રહ્યું હતું. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટના ઉપયોગ પર પ્રતિબંધ અને અમેરિકાની નાકાબંધીને કારણે આ માર્ગ અત્યંત જોખમી બની ગયો હતો. આવી સ્થિતિમાં ભારત સરકારે નૌકાદળ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના સંકલનથી 'એસ્કોર્ટ ઓપરેશન' હાથ ધર્યું હતું. તમામ ટેન્કરો પર કોઈ હુમલો ન થાય તે માટે ભારતીય નેવીના જહાજો તેમની સાથે રહીને તેમને સુરક્ષિત અંતર સુધી બહાર લાવ્યા હતા.

આ ઓપરેશનના અંતિમ તબક્કામાં 'એમ.વી. સનશાઇન' નામના એલપીજી જહાજને પણ નેવીએ હોર્મુઝમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી લીધું છે. હવે આ તમામ જહાજો પરસીયન ગલ્ફ પાર કરીને ભારતીય સમુદ્ર સરહદ તરફ આગળ વધી રહ્યા છે. આ સફળતાને કારણે ભારતમાં રાંધણ ગેસ અને ઉર્જાનો પુરવઠો ખોરવાવાની જે ભીતિ સેવાતી હતી, તે હાલ પૂરતી ટળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વ વેપાર માટેનો સૌથી સંવેદનશીલ માર્ગ છે, જ્યાંથી દુનિયાનો મોટો હિસ્સો ગેસ અને તેલ મેળવે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોમાં કોઈ પ્રગતિ ન થતા વૈશ્વિક બજારમાં ચિંતા હતી, પરંતુ ભારતે પોતાની નૌકાદળની તાકાત અને મુત્સદ્દીગીરીનો ઉપયોગ કરીને આ 'માસ્ટર સ્ટ્રોક' લગાવ્યો છે. આ કામગીરીથી વૈશ્વિક સ્તરે ભારતીય નૌકાદળની ક્ષમતા અને સરકારની સમયસૂચકતાની પ્રશંસા થઈ રહી છે.