Loading Please Wait !!!
પિઝા સર્વ કરતા પહેલા થૂંકતો આરોપી પકડાયો

  • ઉત્તરપ્રદેશનાં નોઈડાનો બનાવ
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

સિટી ન્યૂઝ@ઉત્તરપ્રદેશ : ઉત્તર પ્રદેશના નોઈડામાં સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચૌડા ગામમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં પિઝાની દુકાન ચલાવતા એક યુવક પર પિઝામાં થૂંકીને ગ્રાહકોને પીરસવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, ચૌડા ગામમાં મુઝમ્મિલ નામનો યુવક પિઝાની દુકાન ચલાવે છે. આરોપ છે કે જ્યારે તે પિઝા તૈયાર કરી રહ્યો હતો, ત્યારે તેમાં થૂંકી રહ્યો હતો. આ શરમજનક કરતૂતનો કોઈએ વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ હિન્દુ સંગઠન સાથે જોડાયેલા કાર્યકરો મોટી સંખ્યામાં દુકાન પર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિ તંગ બનતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. કાર્યકરોએ આરોપી મુઝમ્મિલને પકડીને તાત્કાલિક પોલીસના હવાલે કર્યો હતો. સેક્ટર-24 પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે આરોપી જાણીજોઈને લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ખીલવાડ કરી રહ્યો હતો અને લાંબા સમયથી આવી હરકતો કરતો હોવાની શંકા છે. સંગઠનના સભ્યોએ આરોપી વિરુદ્ધ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી મુઝમ્મિલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ વાયરલ વીડિયોની સત્યતાની તપાસ કરી રહી છે અને આસપાસના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. તપાસના અંતે જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.