Loading Please Wait !!!
અર્શદીપ સિંહ મુશ્કેલીમાં: ટીમ બસમાં ગર્લફ્રેન્ડની સવારીને કારણે BCCI ના નિયમોના ભંગનો આરોપ

  • પ્રોટોકોલ મુજબ ખેલાડીના મિત્રો કે પરિવારજનો ટીમ બસમાં મુસાફરી કરી શકતા નથી; જાણો શું છે વિવાદ
  • માહિતી લીક થવાની આશંકા વચ્ચે ટીમની સુરક્ષામાં ક્ષતિ? BCCI એ અગાઉ જ આપી હતી ચેતવણી
  • ૧૪ મે ની મેચ પહેલા મેદાનની બહારનો વિવાદ પંજાબ કિંગ્સ માટે માથાનો દુખાવો બન્યો

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

આઈપીએલ ૨૦૨૬ ની સિઝન મેદાન પરના રોમાંચની સાથે મેદાનની બહારના વિવાદોને કારણે પણ સતત ચર્ચામાં છે. પંજાબ કિંગ્સના ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહ અત્યારે એક ગંભીર વિવાદમાં ફસાયા હોય તેવું દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના શિસ્ત અને પ્રોટોકોલના ભંગ અંગેના ગંભીર સવાલો ઉભા કર્યા છે.

વાયરલ થયેલી તસવીરમાં અર્શદીપ સિંહ તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે પંજાબ કિંગ્સની સત્તાવાર ટીમ બસમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. BCCI ના નિયમો અનુસાર, ટીમ બસમાં માત્ર ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ટીમ મેનેજમેન્ટના સભ્યો જ મુસાફરી કરી શકે છે. ખેલાડીઓના પરિવારના સભ્યો કે મિત્રો માટે ફ્રેન્ચાઈઝી દ્વારા અલગ વાહનની વ્યવસ્થા કરવાની હોય છે. આ પ્રોટોકોલનું ઉલ્લંઘન થતા હવે BCCI આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે તેના પર સૌની નજર છે.

મહત્વની વાત એ છે કે, તાજેતરમાં જ BCCI એ માહિતી લીક થવાની આશંકા અને સુરક્ષાના કારણોસર તમામ ટીમોને શિસ્ત જાળવવા કડક સૂચના આપી હતી. ટીમ બસમાં અનધિકૃત વ્યક્તિની હાજરી ગોપનીયતાના ભંગ સમાન ગણાય છે. અગાઉ મેકલોડગંજમાં પણ આ જોડી ફરતી જોવા મળી હતી, પરંતુ ટીમ બસમાં સાથે દેખાવું તે નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે.

આગામી ૧૪ મે ના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મહત્વની ટક્કર થવાની છે, ત્યારે અર્શદીપ સિંહ પરની આ આંગળી પંજાબની ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. જો BCCI આ મામલે તપાસના આદેશ આપશે, તો અર્શદીપ વિરુદ્ધ દંડ કે અન્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે. અત્યારે પંજાબ કિંગ્સના મેનેજમેન્ટ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.