ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ફટકો: મેચ વિનર જેમી ઓવરટન ઈજાના કારણે ઈંગ્લેન્ડ પરત ફર્યો
- લખનૌ સામેની મહત્ત્વની મેચ પહેલા CSK ને આંચકો; પ્લેઓફની રેસમાં વધ્યું ટેન્શન
- જમણા પગની ઈજાએ ફેરવ્યું પાણી; લખનૌ સામેના ‘પ્લેયર ઓફ ધ મેચ’ ની ખોટ સાલશે
- ૧૫ મેના રોજ લખનૌ સામે ટક્કર; ૧૫૮ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનાર વિસ્ફોટક ખેલાડી ગુમાવ્યો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
આઈપીએલ ૨૦૨૬માં પ્લેઓફની રેસ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના શાનદાર ફોર્મમાં રહેલા ઈંગ્લિશ ઓલરાઉન્ડર જેમી ઓવરટન જમણા પગની ઈજાના કારણે ટુર્નામેન્ટ અધવચ્ચે છોડીને સારવાર માટે ઈંગ્લેન્ડ પરત ફર્યા છે. ચેન્નાઈની ટીમે સત્તાવાર રીતે ઇન્સ્ટાગ્રામ પર આ અંગેની જાણકારી આપી હતી.
જેમી ઓવરટન જમણા હાથનો ઘાતક ઝડપી બોલર અને નીચલા ક્રમનો વિસ્ફોટક બેટ્સમેન છે. ચાલુ સીઝનમાં તેણે ૧૦ મેચોમાં ૧૪ વિકેટ ઝડપી છે અને તેનો ઇકોનોમી રેટ ૯ થી પણ ઓછો રહ્યો છે. બેટિંગમાં પણ તેણે ૧૫૮ના શાનદાર સ્ટ્રાઈક રેટથી ૧૩૬ રન બનાવી ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી ઉગારી હતી. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી મેચમાં તેણે પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરી રહેલા લખનૌના બેટ્સમેનો પર અંકુશ મેળવી ૩ મહત્વની વિકેટ ઝડપી હતી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.
આગામી ૧૫ મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે ફરીથી લખનૌ સામે ટકરાવાનું છે. પ્લેઓફની દ્રષ્ટિએ આ મેચ અત્યંત મહત્વની છે, પરંતુ ઓવરટનની ગેરહાજરીથી ટીમનું બોલિંગ અને બેટિંગ બંનેનું સંતુલન ખોરવાઈ શકે છે. જોકે, CSK એ હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે તે બાકીની સીઝનમાંથી સંપૂર્ણપણે બહાર છે કે કેમ, પરંતુ તાત્કાલિક ધોરણે તેનું યુકે પરત ફરવું એ ટીમના માસ્ટર પ્લાન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ટીમ મેનેજમેન્ટ હવે ઓવરટનના સ્થાને કયા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ચેન્નાઈએ હવે બાકીની મેચોમાં વધુ જોર લગાવવું પડશે.