દિલ્હી હાઈકોર્ટનો ગુગલ-એપલને લપડાક: પોર્નોગ્રાફિક અને ક્રાઈમ એપ્સ સામે કડક કાર્યવાહીનો આદેશ
- રૂબિકા થાપાની PIL પર કોર્ટનો ઐતિહાસિક નિર્ણય; નવી પેઢીને નુકસાન પહોંચાડતી એપ્સ પર પ્રતિબંધની તૈયારી
- આઈટી રૂલ્સ ૨૦૨૧ હેઠળ કડક ચેકિંગ અનિવાર્ય; જુલાઈ સુધીમાં માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ
- પ્લેટફોર્મ પર એપને મંજૂરી આપતા પહેલા સાવચેતી રાખવી જરૂરી; સાયબર સુરક્ષા એજન્સીઓને પણ આદેશ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દિલ્હી હાઈકોર્ટે વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ ગૂગલ અને એપલને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફિક, ક્રાઈમ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી મોબાઈલ એપ્લિકેશન્સ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ગૂગલ અને એપલ જેવી મધ્યસ્થ (Intermediary) કંપનીઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. આ આદેશ રૂબિકા થાપા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો.
અદાલતે અવલોકન કર્યું હતું કે આવી વાંધાજનક એપ્સની પહોંચ સામાન્ય યૂઝર્સ સુધી ખૂબ જ સરળતાથી થઈ રહી છે, જે દેશની નવી પેઢી માટે ગંભીર જોખમ સમાન છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે IT Rules, 2021 અનુસાર, આ કંપનીઓએ માત્ર યુઝરની ફરિયાદ મળે ત્યારે જ એક્શન લેવા તે પૂરતું નથી. તેની બદલે, જ્યારે કોઈપણ એપને પ્લેટફોર્મ પર અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવે, ત્યારે જ તેની સંપૂર્ણ અને કડક તપાસ કરવી એ કંપનીઓની નૈતિક અને કાયદાકીય ભૂમિકા છે.
બેન્ચે કડક વલણ અપનાવતા કહ્યું કે, "આવી એપ્લિકેશન્સના કારણે સમગ્ર પેઢીને નુકસાન થાય તે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી." કોર્ટે એપલ, ગૂગલ અને ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઈપણ જાતની ઢીલ રાખ્યા વગર આવા કન્ટેન્ટના પ્રસારને રોકે. આ સાથે જ ટેક કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ભારત સરકારના આઈટી નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.
કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, ગૂગલ અને એપલને આગામી જુલાઈ મહિનામાં નિર્ધારિત સુનાવણી પહેલાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર 'એક્શન ટેકન રિપોર્ટ' રજૂ કરવા આદેશ આપ્યો છે. આ હુકમ બાદ હવે મોબાઈલ એપ પ્લેટફોર્મ પર દેખાતી અનેક વિવાદાસ્પદ અને ગેરકાયદેસર એપ્સ પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા છે. હાઈકોર્ટના આ કડક વલણથી હવે ડિજિટલ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ફિલ્ટરિંગની પ્રક્રિયા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.