Loading Please Wait !!!
ખાંડની નિકાસ પર કેન્દ્ર સરકારની ‘બ્રેક’: સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પ્રતિબંધ લાગુ

  • મોંઘવારી ડામવા મોદી સરકારનો માસ્ટર પ્લાન; સ્થાનિક બજારમાં ખાંડના ભાવ પર અંકુશ લાવવા નિર્ણય
  • સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કાચી અને રિફાઇન્ડ ખાંડ નહીં જાય વિદેશ; ભાવ વધારા પર લાગશે લગામ
  • ખાદ્ય સુરક્ષા અને સ્થાનિક પુરવઠો જાળવવા લેવાયો નિર્ણય; જરૂર પડ્યે પ્રતિબંધની મુદત લંબાવાશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્ર સરકારે દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારાને રોકવા અને સ્થાનિક બજારમાં ખાંડનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ મુજબ, દેશમાંથી ખાંડની નિકાસ પર સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણય ખાદ્ય સુરક્ષા અને સામાન્ય જનતાના રસોડાના બજેટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

સરકારના આદેશ અનુસાર, કાચી (Raw), સફેદ અને રિફાઇન્ડ એમ તમામ પ્રકારની ખાંડની નિકાસ પર રોક લગાવવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં જોવા મળી રહેલા ઉછાળાને ડામવા માટે સરકારે અગમચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. નિકાસ બંધ થવાથી દેશમાં ઉત્પાદિત થતી ખાંડનો મોટો જથ્થો સ્થાનિક બજારોમાં જ રહેશે, જેનાથી બજારમાં પુરવઠો વધશે અને ભાવમાં સ્થિરતા આવશે. નોંધનીય છે કે, જો પરિસ્થિતિ જણાશે તો આ પ્રતિબંધની સમયમર્યાદા ભવિષ્યમાં વધુ લંબાવવાની શક્યતા પણ સરકારે ખુલ્લી રાખી છે.

જોકે, આ પ્રતિબંધમાં કેટલીક ખાસ શ્રેણીઓને મુક્તિ આપવામાં આવી છે. યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા (USA) માં CXL અને TRQ ક્વોટા હેઠળ થતી નિયત નિકાસ ચાલુ રહેશે. આ ઉપરાંત, 'એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ' હેઠળ અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારથી સરકાર (G2G) વચ્ચે થતા કરારો મુજબ નિકાસ કરી શકાશે. જે કન્સાઇનમેન્ટ્સ અત્યારે પ્રક્રિયામાં છે અથવા શિપિંગ માટે તૈયાર છે, તેમને પણ આમાંથી મુક્તિ અપાઈ છે.

ઉદ્યોગ જગતના નિષ્ણાતો આ નિર્ણયને મોંઘવારી સામેના રક્ષણાત્મક પગલા તરીકે જોઈ રહ્યા છે. ખાંડ એ ભારતની કૃષિ અર્થવ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે અને તેની નિકાસ પરનો પ્રતિબંધ વૈશ્વિક બજારમાં પણ ભાવ પર અસર કરી શકે છે. પરંતુ દેશના સામાન્ય ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળતી રહે તે સરકારની પ્રાથમિકતા રહી છે. આગામી તહેવારોની સીઝન પહેલા લેવાયેલો આ નિર્ણય મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે રાહતના સમાચાર છે.