Loading Please Wait !!!
NEET નાબૂદ કરો અને 12માના મેરિટ પર એડમિશન આપો: CM વિજયનો કેન્દ્ર પર પ્રહાર

  • CBI એ એક્શન મોડમાં આવી 5 શખ્સોને દબોચ્યા; લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
  • જયપુર, ગુરુગ્રામ અને નાસિકથી વધુ ધરપકડો; તપાસનો રેલો અનેક રાજ્યોમાં પહોંચ્યો
  • NEET-UG 2026 પરીક્ષા રદ: CBI એ સંભાળી તપાસ, 24 કલાકમાં 5 આરોપીઓ જેલના સળિયા પાછળ

સિટી ન્યુઝ @ ચેન્નાઈ 

NEET-UG 2026 પરીક્ષામાં થયેલા પેપર લીક વિવાદને લઈને સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે અત્યંત આકરી પ્રતિક્રિયા આપતા મેડિકલ પ્રવેશ માટેની NEET પરીક્ષાને કાયમ માટે નાબૂદ કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને માત્ર ૧૨મા ધોરણના મેરિટના આધારે જ મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળવો જોઈએ. બીજી તરફ, કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરીને તપાસ તેજ બનાવી છે.

મુખ્યમંત્રી વિજયે સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, "વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ લાખો તેજસ્વી વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સપનાઓને તોડી રહી છે. જો કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષિત રીતે પરીક્ષા લેવામાં નિષ્ફળ રહેતી હોય, તો રાજ્યોને તેમના પોતાના મેરિટના આધારે બેઠકો ભરવાની છૂટ મળવી જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિએ અનેક સૂચનો આપ્યા હોવા છતાં સતત બીજા વર્ષે આવી ક્ષતિઓ સામે આવવી તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

કેન્દ્ર સરકારે આ મામલાની ગંભીરતાને જોઈને તપાસ CBI ને સોંપી હતી. એક્શન મોડમાં આવેલી CBI એ દેશભરમાં દરોડા પાડીને જયપુરથી માંગીલાલ બિવાલ, વિકાસ બિવાલ અને દિનેશ બિવાલની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુરુગ્રામથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરનારને પણ ઝડપી લેવામાં આવ્યા છે. નાસિકથી પકડાયેલા શુભમને દિલ્હી લાવવા માટે સ્થાનિક મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૪ માં પણ છ રાજ્યોમાં પેપર લીક મામલે ફરિયાદો ઉઠી હતી. આ વર્ષે પણ પરીક્ષા રદ થવાના કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. તમિલનાડુ સરકાર લાંબા સમયથી NEET સામે કાયદેસરની લડાઈ લડી રહી છે, ત્યારે વર્તમાન કૌભાંડે આ વિરોધને વધુ મજબૂત બનાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય આ ગંભીર ક્ષતિઓ બાદ પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયામાં કેવા ફેરફારો લાવે છે.