વંદે માતરમને રાષ્ટ્રગાનનો દરજ્જો: જનગણમન સમાન સન્માન આપવા કાયદો સુધારાશે
- વંદે માતરમને રાષ્ટ્રગાનનો દરજ્જો: જનગણમન સમાન સન્માન આપવા કાયદો સુધારાશે
- કેન્દ્રીય કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય; ઈરાદાપૂર્વકના અપમાન બદલ 3 વર્ષ સુધીની જેલ
- પોલીસને ધરપકડ માટે વોરંટની જરૂર નહીં રહે; કેસ ચલાવવા અદાલતની મંજૂરી પણ અનિવાર્ય નથી
સિટી ન્યૂઝ @ નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર વિજય બાદ કેન્દ્ર સરકાર હવે તેના લાંબા સમયથી પડતર અને રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલા એજન્ડાઓને અમલી બનાવવા માટે સજ્જ થઈ છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા નિર્મિત 'વંદે માતરમ'ને 'જનગણમન' સમાન રાષ્ટ્રગાનનો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર 'પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ' (રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદો) માં જરૂરી સુધારા કરશે.
આ નવા કાયદાકીય ફેરફાર મુજબ, હવે વંદે માતરમને પણ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત જેવું જ કાનૂની રક્ષણ પ્રાપ્ત થશે. જે રીતે જનગણમન કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે, તે જ જોગવાઈઓ હવે વંદે માતરમ માટે પણ લાગુ પડશે. જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક આ ગીતનું અપમાન કરશે અથવા તેને યોગ્ય સન્માન નહીં આપે, તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ ગુનાને 'કોગ્નિઝેબલ ક્રાઈમ' એટલે કે ગંભીર અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.
કેબિનેટના નિર્ણય મુજબ, હવે વંદે માતરમના અપમાન બદલ પોલીસ આરોપીની વોરંટ વગર ધરપકડ કરી શકશે. એટલું જ નહીં, આવા કિસ્સામાં કેસ ચલાવવા માટે અદાલતની પૂર્વ મંજૂરીની પણ જરૂર રહેશે નહીં. નોંધનીય છે કે 2005માં થયેલા કાયદાકીય સુધારા મુજબ રાષ્ટ્રધ્વજનો પોશાક તરીકે કે અન્ય કોઈ અપમાનજનક રીતે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે, હવે તેવા જ કડક નિયમો વંદે માતરમ માટે પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. ભાજપ સરકારનો દાવો છે કે ભૂતકાળમાં તૃષ્ટિકરણની રાજનીતિને કારણે આ ગીતને યોગ્ય દરજ્જો મળ્યો ન હતો.
સંસદમાં તાજેતરમાં જ વંદે માતરમની 150મી જયંતિ પર થયેલી ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ગીતને રાષ્ટ્રગાનનો દરજ્જો આપવા માટે મજબૂત દલીલો કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આઝાદીના સંગ્રામમાં જે ગીત અભિવ્યક્તિનું પ્રતીક બન્યું હતું, તેને કેટલાક પક્ષોએ કોમવાદી ચિતરવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર હવે વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી પણ એક વર્ષ સુધી ભવ્ય રીતે કરશે. આ માટેની સત્તાવાર માર્ગરેખા પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સ્વતંત્રતા બાદ અત્યાર સુધી વંદે માતરમને માત્ર રાષ્ટ્રીય ગીત તરીકે ગણવામાં આવતું હતું, પરંતુ હવે તેની છ કડીઓને સત્તાવાર રીતે રાષ્ટ્રગાનનો દરજ્જો આપી દેવાયો છે. સરકારી સમારોહમાં તેને કઈ રીતે ગાવું અને સન્માન આપવું તે અંગે નવી ગાઈડલાઈન જાહેર કરાશે. ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે વિરોધનું પ્રતીક બનેલા આ ગીતને આખરે જનગણમન સમાન દરજ્જો મળતા રાષ્ટ્રવાદી સંગઠનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી બંગાળ સહિત સમગ્ર દેશમાં એક નવો સંદેશ જશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.