Loading Please Wait !!!
જનતા અસુરક્ષિત? ગુજરાતમાં હત્યાઓનો ભયજનક ટ્રેન્ડ

સિટી ન્યૂઝ@સુરત : શહેરના ડીંડોલી અને પાંડેસરા વિસ્તારની સરહદ પર આવેલા ભેસ્તાન આવાસ બ્રિજ નીચે આજે 12મેએ બપોરે હત્યાની ઘટના બની હતી. વાહન પાર્કિંગ બાબતે પ્લાસ્ટિકના ભંગારનો વેપાર કરતા 57 વર્ષીય ઝાકીર પઠાણ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક ઝાકીરભાઈ ભાટેના રજા નગરના રહેવાસી હતા અને વર્ષોથી પસ્તી અને વેસ્ટ પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.મૃતકના ભત્રીજા સલમાન પઠાણના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ મંગળવારે બપોરે પાર્કિંગ અને પોટલા મૂકવા જેવી સામાન્ય બાબતથી શરૂ થયો હતો. વેપારીની ગાડી પાર્ક કરવા બાબતે ત્યાં હાજર અંકિત નેપાલી અને તેના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વકર્યો હતો અને અંકિત નેપાલી તથા તેની સાથે આવેલા અન્ય 12થી 15 જેટલા શખ્સોએ હથિયારો સાથે વેપારી પર તૂટી પડ્યા હતા. 

=> લૂંટ કે અંગત અદાવતને લઈ પોલીસની તપાસ

જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં આજે 12મેએ સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળું કાપીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને એસપી, DySP સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.મૃતક વૃદ્ધાની ઓળખ સુનીતાબેન રાયજા (ઉંમર 63 વર્ષ) તરીકે થઈ છે. સુનીતાબેન તેમના પતિ, પુત્ર અને વહુ સાથે આ ઘરમાં રહેતા હતા. બનાવ સમયે તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા, પુત્ર વ્યવસાયિક કામ અર્થે બહાર હતો અને પુત્રવધૂ પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં સુનીતાબેન એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું.

=> આરોપીની ઉદેપુરથી ધરપકડ

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા અવનીશ હાઈટ્સમાં પૈસાની લાલચમાં એક ભત્રીજાએ પોતાના જ ફુવાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મંગળવારે સવારે મનીષ ચોકસી નામની વ્યક્તિનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા બોપલ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે આરોપી વ્રજ સોનીની ઉદયપુરથી અટકાયત કરી છે.શીલજમાં આવેલી અવનીશ હાઈટ્સમાં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ ચોકસી તેમના પુત્ર સમર્થ અને સાળાના દીકરા (ભત્રીજા) વ્રજ સાથે રહેતા હતા. મનીષભાઈના પત્ની તિરુપતિ ખાતે મેડિટેશનમાં ગયા હતા, જ્યારે તેમનો પુત્ર સોમવારે રાત્રે કામ અર્થે સ્ટુડિયોમાં હતો. મંગળવારે સવારે સમર્થ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેને મનીષભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતા બોપલ પોલીસ, એફએસએલ (FSL) અને ડોગ સ્કોડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.